Vadodara

વડોદરામાં પૂર રાહત માટે 200 તરવૈયાઓની હંગામી ભરતી કરાશે

પૂરના સમયે બચાવ અને રાહતકામ માટે તરવૈયા-વોલન્ટિયર્સ તૈનાત થશે

ભરતી માત્ર ત્રણ મહિનાની મુદત માટે જુલાઈથી સપ્ટેમ્બર 2025 માટે થશે

વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં આ વર્ષે વરસાદી પૂર સમયે તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી સુચારૂ થાય તે માટે 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયાઓ અને રેસ્ક્યુર વોલન્ટિયર્સની હંગામી ભરતી હાથ ધરાશે. આ ભરતી માત્ર ત્રણ મહિનાની મુદત માટે જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમ્યાન માટે થવાની છે. સ્થાયી સમિતિ દ્વારા આ કામને અગાઉથી ઠરાવ ક્રમાંક 60/25-04-2025 હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. જેને અનુસરીને શહેરમાં આગામી ગણેશ વિસર્જન, પૂર જેવી કુદરતી આપત્તિ, માનવ સર્જિત ઘટનાઓ અને અન્ય તાત્કાલિક સેવાઓ દરમિયાન 24×7 ફરજ બજાવવાના હેતુસર આ ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં મહાનગરપાલિકા દ્વારા જરૂરી હેવી ડ્યુટી લાઇસન્સ ધરાવતા ડ્રાઇવરો અને કુશળ કર્મચારીઓની ભરતી આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. તેનો જ અનુસંધાન રાખીને 200 તરવૈયા-વોલન્ટિયર્સની ભરતી પણ આ એજન્સી દ્વારા તેની ટેન્ડર શરતો મુજબ જ કરાશે. મહત્વની બાબત એ છે કે, મહાનગરપાલિકા કે શાખાને આ કર્મચારીઓ અંગે કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. પૂરી જવાબદારી એજન્સી પર રહેશે. આ તરવૈયાઓને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કુશળ શ્રમયોગી ઝોન-1 (વડોદરા) મુજબ દૈનિક વેતન તથા ભથ્થાં મુજબ ચૂકવણી કરવામાં આવશે. જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 95 લાખ થાય તેવી શક્યતા છે.

Most Popular

To Top