Vadodara

વડોદરામાં પૂરની પરિસ્થિતિ સંદર્ભે વન્યપ્રાણી/વન્યજીવ રેસ્ક્યુ માટે ૧૮ ટીમ ખડે પગે


છેલ્લા ત્રણ દિવસમાં ૭૦થી વધુ સાપ અને ૧૦ મગરનું રેસ્કયુ કરવામાં આવ્યું
***

*જો તમને વન્યપ્રાણી/વન્યજીવ દેખાય તો તાત્કાલિક મોબાઈલ નંબર ૯૪૨૯૫૫૮૮૮૩/૮૬ પર સંપર્ક કરવો*
***

વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે ૧૮ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.

છેલ્લા ત્રણ દિવસમાં આ ટીમો દ્વારા વડોદરા શહેરમાંથી ૭૦થી વધુ સાપ અને ૧૦ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં જ કારેલીબાગમાંથી ૧૫ ફૂટના મગરનું પણ વન વિભાગની રેસ્કયુ ટીમ અને એન.જી.ઓ. સાથે રહી રેસ્કયુ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકોનો પણ પ્રશંસનીય સહયોગ મળી રહ્યો છે.

સામાજીક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષકે જાહેર જનતાને અપીલ કરી છે કે, જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં જો વન્યપ્રાણી/વન્યજીવ દેખાય તો તાત્કાલિક ઈમરજન્સી નંબર ૯૪૨૯૫૫૮૮૮૩ અથવા ૯૪૨૯૫૫૮૮૮૬ પર સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે જ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન નંબર ૯૭૭૩૪૦૩૮૨૬ પર પણ સંપર્ક કરવા જણાવાયું છે. ઉક્ત નંબર પર સંપર્ક થયેથી સત્વરે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમ તેઓ દ્વારા વધુમાં જણાવાયું છે.
*૦૦૦*

Most Popular

To Top