નાના કોન્ટ્રાક્ટર નહીં, એસી કેબિનમાં બેસતા મોટા અધિકારીઓ સામે FIR કરો’ માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા શહેરીજનોમાં ભારે રોષ


વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે જીવ ગુમાવનાર માંજલપુર વિસ્તારના આશાસ્પદ યુવાન વિપુલસિંહ ઝાલાના આત્માની શાંતિ માટે આજે કબીર આશ્રમ ખાતે બેસણું યોજાયું હતું. બેસણા બાદ પરિવારજનો, સ્થાનિકો અને વિપક્ષના અગ્રણીઓએ કેન્ડલ માર્ચ યોજી મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે ન્યાયની પોકાર કરી હતી.
ગયા અઠવાડિયે પાણીની લાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં પડવાથી વિપુલસિંહનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ કોઈ કુદરતી ઘટના નથી પરંતુ કોર્પોરેશન સર્જિત હત્યા છે. વિપુલસિંહના પત્ની માધવીબા અને અન્ય સભ્યોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, પોલીસ માત્ર નાના કોન્ટ્રાક્ટર પર ગુનો નોંધીને સંતોષ માની રહી છે, જ્યારે ખરેખર જવાબદાર એવા વિભાગીય વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
પરિવારના જણાવ્યા મુજબ, વિપુલસિંહ ઘરના એકમાત્ર કમાનાર સભ્ય હતા. તેમના અવસાનથી તેમનો 7 વર્ષનો પુત્ર અને પત્ની નિરાધાર બન્યા છે. પરિવારે સવાલ ઉઠાવ્યો હતો કે કોર્પોરેશનની ભૂલની સજા એક માસૂમ બાળકે કેમ ભોગવવી પડે? રાજકીય દબાણ હેઠળ અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.
બેસણામાં ઉપસ્થિત રહેલા વિપક્ષે તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી, જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદા મુજબ નાગરિકોની સુરક્ષાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની છે. જો સમયસર સ્ટ્રીટ લાઈટ અને બેરિકેટિંગની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ દુર્ઘટના રોકી શકાઈ હોત. તેમણે વધુમાં ઉમેર્યું કે, “શહેરના મેયર, કમિશનર કે કોઈ કોર્પોરેટર પરિવારને સાંત્વના આપવા પણ આવ્યા નથી, જે તેમની માનવહીનતા દર્શાવે છે.”
કેન્ડલ માર્ચ દ્વારા સ્થાનિકોએ વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો ડ્રેનેજ, વોટર સપ્લાય અને રોડ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નહીં નોંધાય તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે અને કાયદાકીય લડત પણ લડવામાં આવશે.