બે બાઈકસવાર શખ્સો પળવારમાં શ્વાન ઉઠાવી ફરાર
શહેરના વિવિધ વિસ્તારોમાં વધતા ચોરીના બનાવોથી રહેવાસીઓ ભયભીત
કાળા બજારમાં મોંઘા શ્વાનોની હેરાફેરી કરાતી હોવાની ચર્ચા
વડોદરા: વડોદરા શહેરમાં સતત ચાલતા પાલતુ પ્રાણીઓની ચોરીના બનાવોને વધુ વેગ મળ્યો છે. તાજેતરમાં ખોડિયારનગર સોસાયટીમાંથી એક પાલતુ શ્વાન ઉઠાવી જવાનો વિડિઓ સીસીટીવી કેમેરામાં કેદ થતાં ચકચાર ફેલાઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે બે બાઈકસવાર શખ્સોમાંથી એક નીચે ઉતરી શ્વાનને પળવારમાં ઊંચકી લે છે અને બાઈક પર બેસીને ઝડપથી ફરાર થઈ જાય છે.

પ્રકાશમાં આવેલા કિસ્સાને લઈને આજુબાજુના રહેવાસીઓમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ જોવા મળ્યું છે. લોકોને શંકા છે કે શહેરમાં પાલતુ શ્વાન ચોરીનો ગેંગ સક્રિય છે, જે ખાસ કરીને મોંઘી જાતના શ્વાનોને ટારગેટ કરી રહ્યો છે.
માલિક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની ઓળખ અને બાઈકના ટ્રેસની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સૂત્રો મુજબ છેલ્લા કેટલાક મહિના દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવી પ્રકારની ફરિયાદો મળી રહી છે, જેના આધારે ચોરીના એક સંગઠિત રેકેટની સંભાવના ઊભી થઈ છે. રહેવાસીઓએ પોલીસને પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા પગલા કડક કરવાનો માંગ કરી છે.