24 નવેમ્બર સુધી ઇજારદારો પાસેથી અરજીઓ આમંત્રિત; સમા, તરસાલી, ફતેગંજ, તાંદળજા સહિતના વિસ્તારોમાં સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે
વડોદરા : શહેરમાં વધી રહેલી પાર્કિંગ સમસ્યા અને અસ્તવ્યસ્ત વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં નવી “પે એન્ડ પાર્ક” યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ કુલ 13 સ્થળો પાર્કિંગ ઝોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં વાર્ષિક ઈજારા આધારે ખાનગી સંસ્થાઓને પાર્કિંગ ચલાવવા દેવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ત્રોતોના જણાવ્યા મુજબ, રસ ધરાવતા ઇજારદારોને પોતાની અરજી જમીન મિલકત શાખા (કોમર્શિયલ)માં 24 નવેમ્બર સુધી નોંધાવવાની રહેશે. અરજીઓ મળી બાદ યોગ્ય ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઈજારદારોની પસંદગી કરવામાં આવશે.
સ્થાનોમાં સમા-સાવલી રોડ, તરસાલી ગુરુદ્વારા પાસે, છાણી ફ્લાયઓવર બ્રિજ નીચે, ન્યુ લહેરીપુરા રોડ, ગોલ્ડન ચોકડી, દુમાડ ચોકડી, ફતેગંજ, હિરનગર બ્રિજ નીચે, વડીવાડી પાણીની ટાંકી નજીક, તાંદળજા વિસ્તાર, સમા તળાવ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સામે તથા હરણી લેક્ઝોન ફૂટપાથ જેવી મુખ્ય જગ્યાઓનો સમાવેશ થાય છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં વધતી વાહન સંખ્યા સાથે રોજબરોજ પાર્કિંગની તંગી વધી રહી હતી. અનિયમિત રીતે ઉભા રાખેલા વાહનોને કારણે માર્ગ વાહનવ્યવહાર અને સલામતી બંને મુદ્દાઓ ઉભા થયા હતા. “પે એન્ડ પાર્ક” સુવિધા શરૂ થવાથી મુખ્ય માર્ગો પર દબાણ ઓછું થશે અને શહેરમાં વાહનવ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે.
કોર્પોરેશનનું કહેવું છે કે આ યોજનાથી પાર્કિંગ વ્યવસ્થામાં શિસ્ત આવશે સાથે સાથે શહેરની આવકમાં પણ વધારો થશે. પ્રત્યેક પાર્કિંગ ઝોનમાં વાહનધારકો માટે યોગ્ય દર નિર્ધારિત કરીને પારદર્શક રસીદ આધારિત વ્યવસ્થા અમલમાં મૂકાશે.
સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જોકે કેટલાક સ્થળોએ પાર્કિંગ ચાર્જના દર વિષે યોગ્ય યોજના અને દેખરેખ જરૂરી હોવાનું મત વ્યક્ત કરવામાં આવ્યું છે.