- સુરુચિ સોસાયટીના રહીશો પાણી મુદ્દે રજૂઆત કરવા આવ્યા અને એક વ્યક્તિને એટેક આવતા મૃત્યુ
- આ વિસ્તારના લોકોએ દુષિત પાણી અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે
શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરુચિ સોસાયટીના રહીશો પીવાના પાણીના પ્રશ્ને પાલિકા કચેરી ખાતે મોરચો લઈને રજૂઆત કરવા ગયા હતા. દરમિયાન પાલિકાના સિક્યુરિટી જવાનો સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. રજૂઆત કરવા ગયેલા મોરચામાં એક વ્યક્તિ અચાનક પાલિકા કચેરી ખાતે જ ઢળી પડ્યા હતા જેઓને સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પાણી માટે અંતિમ શ્વાસ સુધી લડત આપવી પડી જેના કારણે પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિકો ફિટકાર વરસાવી રહયા છે.
શહેરમાં દુષિત પાણીનો પ્રશ્ન નવો નથી. અનેક વિસ્તારમાં દુષિત પાણીના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનના જ વોર્ડમાં લોકો દુષિત પાણીના કારણે પરેશાન થઇ ઉઠ્યા છે. આ વિસ્તારના સુરુચિ સોસાયટીના રહીશો તેમજ આસપાસની સોસાયટીના રહીશો રજૂઆત કરવા માટે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. વોર્ડ 6 માં વારસિયા જુના RTO પાછળ આવેલી સુરુચી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરના પાણી ભળીને આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાનિક રહીશોએ વોર્ડ 6 ના નગરસેવક શીતલ મિસ્ત્રી,હેમિષાબેમ ઠક્કર,હીરા પાંજવાણી તેમજ જયશ્રીબેન સોલંકીને વારંવાર રજૂઆતો કરી હતી. જોકે પાણીની લાઈનમાં ડ્રેનેજના પાણી ભળી જવાની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. સોમવારે સુરુચી પાર્કના રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં તેઓએ દૂષિત પાણી અંગે ઉગ્ર રજુઆત કરી હતી. આ દરમિયાન સોસાયટીના રહીશ શંકરભાઈ ખતવાણીની તબિયત એકાએક લથડતા તેઓ મ્યુનિસિપલ કમિશ્નરના કેબિનની બહાર જ બેભાન થઈ ગયા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓને સારવાર મળે તે પહેલા તેઓનું નિધન થયું હતું. અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થાનિક રહીશોએ અંતિમ શ્વાસ સુધી પાણી માટે લડત આપવી પડી હતી.
રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ઘરના મોભીનું નિધન
પાણી માટે રજૂઆત કરવા આવેલા શંકરભાઇ ખતવાણી અચાનક ઢળી પડ્યા હતા. પાલિકા કચેરીમાં ઘુસવા માટે તેઓએ સિક્યુરિટી જવાનો સાથે ઘર્ષણ પણ કરવું પડ્યું હતું અને પછી અચાનક ઢળી પડ્યા હતા. તેઓને સારવાર હેતુ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને મૃત જાહેર કરાયા હતા. શંકરભાઇ રીક્ષા ચલાવીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરના મોભી અને કમાનાર એકમાત્ર વ્યક્તિના મૃત્યુના પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તમામ કોર્પોરેટર સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા
એક તરફ કોર્પોરેશનની વડી કચેરી ખાતે પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવેલા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો તો બીજી તરફ તમામ કોર્પોરેટર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ આપવામાં વ્યસ્ત બન્યા હતા. કેટલાક નગરસેવકો તો જાણે મોતનો મલાજો ભૂલ્યા હોય તેમ હસી મજાકમાં આ બાબતને લેતા નજરે પડ્યા હતા. ત્યારે નગરજનોને સુવિધાઓ આપવામાં અસફળ રહેલા નેતાઓને માત્રને માત્ર સત્તા જ વ્હાલી છે. લોકોના જીવ વ્હાલા ન હોય તેમ લાગી રહ્યું છે
આંતરિક લાઈનો બદલવા સોસાયટીને જાણ કરાઈ જ છે
આ વિસ્તારના લોકોની આંતરિક લાઈનો અત્યંત જૂની છે જે બદલવા માટે સોસાયટીના રહીશોને જાણ પણ કરવામાં આવી છે તે લાઈનો તેઓના ખર્ચે બદલવાની હોય છે. હાલમાં તેઓની રજૂઆત મળતા કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યાં ટેન્કર પણ મોકલવામાં આવતું હતું છતાં તેઓ પાલિકામાં મોરચો લઈને આવ્યા હતા. એક વ્યક્તિનું નિધન થયું તે દુઃખદ બાબત છે. પરંતુ તેઓના પ્રશ્નનું નિરાકરણ આવે તે દિશામાં પાલિકાએ પ્રયત્નો કર્યા જ છે – ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ
શંકરભાઈ આપેલા અંતિમ ઇન્ટરવ્યુના શબ્દો
શંકરભાઇ પાલિકા ખાતે મોરચા સાથે આવ્યા હતા તેઓએ ઉગ્ર રજૂઆત કાર્ય બાદ મીડિયા સાથે પણ વાત કરી હતી. તેઓ સ્થાનિક કોર્પોરેટર હીરાભાઈ કાંજવાની સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ સાથે ઉગ્ર રજૂઆત પણ કરી રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ” જો હું ખોટું કહેતો હોવ તો મારી ગરદન કાપી નાખો. હું ગુરુ ગોવિંદસિંહનો છોકરો છું. આ ( હીરાભાઈ) પણ ગુરુદ્વારા આવે છે. આ કામ અંગેનો પ્રસ્તાવ મુકશે ત્યારે મુકશે અને કામ ક્યારે થશે તે ખબર નથી.”