પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો, SSGની ઓપીડી હાઉસફૂલ
*એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસો નોંધાયા જ્યારે ઝાડા ઉલટીના દૈનિક 5 કેસો સામે આવી રહ્યાં છે*
(પ્રતિનિધિ) વડોદરા તા 22
ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વીતેલા એક સપ્તાહમાં એસએસજી હોસ્પિટલમાં 19 ડેન્ગ્યુના અને દરરોજ પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે.

સ્માર્ટ સિટી વડોદરામાં લોકો હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દરરોજના ઓપીડીમાં 1800 થી 2000 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું હોય ડેન્ગ્યુના 19 કેસો નોંધાયા છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળાને પગલે દરરોજના પાંચથી વધુ ઝાડા – ઉલટીના કેસો આવી રહ્યા છે.

લોકોને સાવધાની રાખવા તબીબી સલાહ
આ સમગ્ર મામલે એસ.એસ.જી. હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. હિતેન્દ્ર ચૌહાણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. જેમાં ઘર ઓફિસ સહિત આસપાસમાં પાણી ભરાયેલા ન રહે. જો આસપાસ પાણી ભરાયાં હોય તો તાત્કાલિક નિકાલ કરવા, સ્વચ્છતા જાળવવા તથા પાલિકા ને જાણ કરી દવા છંટકાવ કરાવવાની સાથે જ પાણીજન્ય રોગચાળામાં શક્ય હોય તો વરસાદની સિઝનમાં પાણીને ઉકાળીને ઠંડુ કરીને જ પીવાની તથા બહારના ખાણીપીણી, ઠંડા પીણાં થી દૂર રહેવાની સલાહ આપી છે.