વડોદરા:
વડોદરાના છાણી બ્રિજ પાસે શનિવારે રાત્રે એક કાર ચાલકે GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને અન્ય એક યુવકની એક્ટિવા એમ ત્રણ વાહનોને અડફેટમાં લેવાની ઘટના સામે આવી હતી.સમગ્ર ઘટનામાં તમામનો બચાવ થતા કારના આગળના ભાગે કારને ભારે નુકશાન થયું હતું.આ ઘટના બાદ નર્મદા જિલ્લા SPએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા અને અકસ્માત સર્જનાર PSI વાય.એચ. પઢિયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

વડોદરા છાણી બ્રીજ પર બનેલા બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને તપાસ કરતાં કારમાં પીએસઆઇ વાય.એચ. પઢીયાર નશામાં ચકનાચૂર હતો અને દાદાગીરી પણ કરવા લાગ્યો હતો. એક યુવકને લાફો મારીને થાય તે કરી લેવા કહ્યું હતું. અકસ્માત બાદ પણ સ્થાનિકો સાથે ઝપાઝપી કરી હતી. PSIની કારમાંથી દારૂની બોટલો મળી આવતા ગુજરાતમાં દારૂબંધી રખેવાળ કરતા નશામાં ચકનાચૂર PSI પઢીયારે જ જાણે દારૂબંધીની મજાક ઉડાવી હતી.
એક તરફ વડાપ્રધાનના આગમન માટે પોલીસતંત્ર સજ્જ થઇ રહ્યું છે ત્યારે બીજી તરફ કાયદાના રખેવાળ દારૂની બોટલો સાથે મળતા ભારે ચર્ચાસ્પદ બન્યો છે. નશાખોર PSIનું નામ વાય.એચ. પઢિયાર હોવાનું અને હાલમાં નર્મદા જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો હતો. તેઓ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જતા હોવાનું જાણવા મળ્યું હતું. શનિવારે છાણી બ્રીજ પર ઘટના બાદ છાણી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઈને નર્મદા પોલીસે તેને સસ્પેન્ડ કરીને તેમની ગેરવર્તણુક બાબતે ખાતાકીય તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.