અન્ય યુવકને માર મારનાર આ બોગસ પોલીસ બની આવેલા શખ્સ સહિત બેને મકરપુરા પોલીસે દબોચી લીધો
વડોદરા તારીખ 27
વડોદરા શહેરમાં નકલી પોલીસનું ભૂત ફરી ધૂણ્યું છે.તરસાલી વિસ્તારમાં બાઈક લઇ ઉભેલા મિત્રો પાસે બે શખ્સ ધસી આવ્યા હતા. ત્યારબાદ બે પૈકી એકે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બંને મિત્રોને તમે અહીંયા કેમ આવ્યા છો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને એક યુવક પાસેથી બળજબરી પૂર્વક 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા તથા અન્ય યુવકને લાફા મારી તેની પાસેથી રૂ. 70 કાઢી લીધા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસનો દમ મારનાર ઠગ સહિત બેને ઝડપી પાડ્યા હતા.
વડોદરા શહેર નાગર ઉપર કમલા નગર પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભુપેન્દ્રભાઈ ગાંગુડે(મરાઠી)16 માર્ચના રોજ બપોરના આશરે અઢી વાગ્યાથી બપોરના સવા ત્રણ વાગ્યા દરમ્યાનમાં સુમારે તેમના મીત્ર દેવભાઇ સાથે બાઇક લઇને જઈ રહ્યા હતા. તેઓ તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇવે ઉપર આવેલા ઝીલીઓન કોમ્પલેક્ષથી થોડા આગળ બાઈક લઈને ઉભા રહ્યા છે. આ સમય દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ (રહે. સિકોતર નગર-2 GIDC રોડ મકરપુરા વડોદરા મૂળ રહે ઈશરોડા ગામ તા.જી.લુણાવાડા) તથા મયંક વિજય માળી ( રહે.મકરપુરા સર્વન્ટ ક્વાટર્સ, મકરપુરા, વડોદરા) સાથે આવ્યા હતા. ત્યારે વિજય રાઠોડે બંને મિત્રોને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી અને ત્યારે વિજય રાઠોડે યુવકની ફેટ પકડી અહીં કેમ તમે આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો ? તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ તેવી ધમકી આપીને બળજબરી પૂર્વક યુવક પાસેથી રૂ. 20 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ યુવકના મિત્ર દેવાભાઇ પાસેથી 70 રૂપીયા કાઢી લીધા હતા. આમ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનાર વિજય રાઠોડે દેવભાઇને બે-ત્રણ લાફા મારી દીધા હતાં. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મકરપુરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ તથા મયંક વિજય માળીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી 20 હજાર રોકડા તથા બે બાઈક રૂ.60 હજાર અને મોબાઈલ રૂ.18 હજાર રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે. બોગસ પોલીસ બનનાર વિજયસિંહ પ્રવિણસિંહ રાઠોડ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ મહીસાગર જીલ્લાના ખાનપુર તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયેલા છે.
