વડોદરા : શહેરમાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું ષડયંત્ર અટકતું નથી દેખાઈ રહ્યું. હવે વોર્ડ નંબર 4ની કચેરીમાંથી એક નકલી જન્મ પ્રમાણપત્ર ઝડપાયું છે. આ પહેલાં પણ શહેરની વિવિધ વોર્ડ કચેરીઓમાંથી આવા બનાવટી દસ્તાવેજો પકડાઈ ચૂક્યા છે. મહાનગર પાલિકા સહિત પોલીસ તંત્ર માટે આ ગંભીર મુદ્દો બની રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, નકલી દસ્તાવેજોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરનારા એક પાલિકા અધિકારીએ તેમના પર હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી છે. અધિકારીએ અનેક વખત પોલીસ વિભાગમાં લેખિત રજૂઆતો કરીને નકલી દસ્તાવેજો બનાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમ છતાં, અત્યાર સુધીમાં પોલીસ તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આવા તત્વોને ખુલ્લો દોર મળી રહ્યો છે અને તેઓ ફરીથી નકલી પ્રમાણપત્રો બનાવી શહેરના દસ્તાવેજી વ્યવસ્થાને બેદરકાર બનાવી રહ્યા છે.