બાતમીના આધારે કરેલી રેડમાં દારૂનો રૂ. 20.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મંજુસર પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતી.દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, વેમાલી ગામની સિમમાં આવેલા સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં એક ટેમ્પો શાકભાજીની આડમાં દારૂ લઈને ઉભેલો છે. બાદમાં ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાંજ જઇને જોતા ટેમ્પા સાથે એક શખ્સ મળી આવ્યો હતો. તેનું નામ તેણે વરદીચંદ હિરાલાલ ભીલ રહે. ડુંગલા, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટેમ્પામાં તપાસ કરવામાં આવતા ડ્રાઇવરનાં કેબિનની પાછળના ભાગે શાકભાજી, દુધીના થેલા મળી આવ્યા હતા. જેને હટાવીને જોતા અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલોના બોક્સ માળી આવ્યા .બાદમાં દારૂની ગણતરી કરવામાં આવી હતી .જેમાં ક્વાટર-બિયર મળીને કુલ 14,500 નંગ દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 15 લાખ આંકવામાં આવી રહી છે.આ જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હોવાનું અટકાયત કરવામાં આવેલા શખ્સને પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, વિદેશી દારૂ ભરેલી ગાડી રાજુભાઇ રેંગર રહે. ઉદયપુર, રાજસ્થાન એ સેલવાસથી આગળ મેઈન હાઇવે રોડ પરથી આપી હતી. વડોદરા ખાતે પહોંચીને કોઇ જગ્યાએ ઉભા રહેવા જણાવ્યું હતું. બાદમાં કોઇ માણસ મોકલે તેને આ જથ્થો આપી દેવાનો હતો. જો કે, આ જથ્થો વડોદરા સુધી આવ્યા બાદ સગેવગે થાય તે પહેલા જ પોલીસના હાથે લાગ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ તથા અન્ય મળીને કુલ 20.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને વરદીચંદ હિરાલાલ ભીલ રહે. ડુંગલા, રાજસ્થાન અને રાજુભાઇ રહે. ઉદયપુર, રાજસ્થાન સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી રાજુભાઇ રેંગર રહે. ઉદયપુર, રાજસ્થાન ને ફરાર જાહેર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંજુસર પોલીસે 21 નવેમ્બરની રાત્રે આજ સ્થળેથી દૂધીની આડમાં લાવવામાં આવેલા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી બાદ પણ બુટલેગરોને જાણે ફરક પડતો ન હોય તેમ 10 દિવસના સમય ગળામાં બીજી વાર તેજ સ્થળે ફરી વાર દૂધીની આડમાં વિદેશી શરાબનો મોટો જથ્થો લાવવામા આવ્યો અને મંજુસર પોલીસે પકડી પાડ્યો છે.