વારંવારની લીકેજ સમસ્યાથી રહીશોને હાલાકી, હજારો લિટર પાણીનો વેડફાટ
વડોદરા શહેરના વોર્ડ નંબર 13, દાંડિયા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ થવાને કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લીકેજના કારણે લોકોને ઓછા પ્રેશરથી પાણી મળે છે, જેના કારણે ઘરેલું અને વેપારીક ઉપયોગમાં મુશ્કેલી ઉભી થાય છે. વિસ્તારના કોર્પોરેટર બાલુ સૂર્વે મુજબ, દાંડિયા બજાર વિસ્તારમાં પિરામિતાર રોડ પર ઉમિયા ડેરી નજીક આ વર્ષે સાતમી વખત પાણીની લાઇન લીક થઈ છે. તેમણે જણાવ્યું કે, વારંવાર ભંગાણ થવાનું મુખ્ય કારણ લાઈન રીપેરિંગ દરમિયાન જરૂરી તકેદારી ન લેવાવું છે. લીકેજને સીસાથી રીપેર કરવાના બદલે માત્ર દોરી વીંટાળીને કામ ચલાવાય છે, જેના કારણે પ્રેશર વધતા ફરી લીકેજ થવાનું ચાલુ રહે છે.
આ વારંવારની સમસ્યાને લઈ રહીશો હેરાન-પરેશાન છે. લીકેજને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતો હોવા છતાં, કોર્પોરેશન કોઈ સ્થાયી ઉપાય લાવી શક્યું નથી. છેલ્લા બે માસમાં જ અહીં અનેક પાણી લીકેજની ફરિયાદો સામે આવી છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. આજે સવારે ફરી એકવાર ખોદકામ કરીને લીકેજ રીપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કોર્પોરેશન કોઈ ચોક્કસ પગલાં ભરે છે કે નહીં, કે ફક્ત રીપેરીંગ કામ કરીને સમસ્યાને લટકાવી રાખે છે.
