Vadodara

વડોદરામાં ડ્રેનેજ કાંડ: મ્યુનિસિપલ કમિશનરનો હુકમ, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે થશે પોલીસ ફરિયાદ

મ્યુ કમિશનરની લાલ આંખ: “બેદરકારી સાંખી લેવામાં નહીં આવે”, તપાસ અહેવાલ બાદ એજન્સી પર FIR કરવાની તજવીજ

પાલિકાના વોટર સપ્લાય વિભાગ પાસેથી રિપોર્ટ મંગાવાયો, જવાબદારોની ધરપકડની શક્યતા

વડોદરા,:; શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ડ્રેનેજના ખુલ્લા મેનહોલમાં પડી જવાથી શુક્રવારે સાંજે એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવક નિવૃત્ત DYSP ના પુત્ર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તુરંત એક્શન લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ પાસેથી પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે કામ પૂર્ણ થયા બાદ મેનહોલ બંધ કરવાની જવાબદારી એજન્સીની હતી.
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, “જવાબદાર એજન્સી અને જે પણ અધિકારીની બેદરકારી જણાશે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર સામે FIR દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે”.
વારંવાર સૂચનાઓ આપવા છતાં પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષાના સાધનો કે સાવચેતી રાખવામાં આવતી નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. હાલ તો પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પાલિકાના રિપોર્ટ બાદ દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

Most Popular

To Top