પ્રતિનિધિ વડોદરા તા. 18
શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને કલાલી વિસ્તારમાં રહેતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પાસેથી ઠગોએ રૂપિયા 37.85 લાખ પડાવી લઈને ઠગાઈ આચરી હતી. સંચાલક નો વિશ્વાસ કેળવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલા માંથી 8.14 લાખ પરત કર્યા હતા. જેથી સંચાલકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાના કલાલી રોડ પર આવેલા આસોપાલવ ક્લબ એપાર્ટમેન્ટમાં રહેતા રાજીવ નેમકુમાર ચૌહાણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. 17 ફેબ્રુઆરીના રોજ તેમના મોબાઈલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ઇન્વેસ્ટમેન્ટ માટેની જાહેરાત આવી હતી. જેથી જેથી તેઓએ આ લિંક પર ક્લિક કરતા તેમને વોટસેપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમણે થોડા દિવસ સુધી ગ્રુપને ઓબ્ઝર્વ કર્યું હતું. 22 ફેબ્રુઆરીના રોજ ગ્રુપમાં દેવીકા રાવે ટ્રાવેલ્સ સંચાલકને ફોન કરીને શેર બજારમાં રોકાણ માટે માર્ગદર્શન આપ્યું હતું અને તેમેને ટુકડે ટુકડે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું. તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 5થી 25 ટકા સુધી પ્રોફીટ થશે. ત્યારબાદ દેવિકાએ તેમને આસીસ્ટન્ટન્ટ પ્રોફેસર સાથે વાત કરવા કહેતા તેઓએ આસિ.પ્રોફેસર સાથે વાત કરતા તેણે સંચાલકની પર્સનલ તથા આધારકાર્ડની ડીટેલ્સ મોકલવા કહ્યું હતું. તેમને વિશ્વાસ આવી જતા તમામ ડીટેલ પ્રોફેસરને મોકલી આપી હતી. ત્યારબાદ તેઓએ ગ્રુપના એકાઉન્ટ મેનેજર સાથે વાત કરાવતા તેણ તેમને એક એપ્લીકેશનની લિંક મોકલી હતી. જેના તેઓએ રજીસ્ટર કરવા તેમજ ડીટેઇલ ભરવા એડવાઇઝ આપી હતી. જેથી તેમની વાતો પર આવી લાલચમાં આવીને તેઓએ તેમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જેથી તેઓએ તેમની પાસેથી શેર માર્કેટમાં રોકાણ કરવા તથા આઈપીઓની ખરીદી કરવાના બહાને રૂ. 45.76 લાખ વિવિધ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકનો વિશ્વાસ કેળવવા માટે શરુઆતમાં રૂ. 8.14 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકી રહેલા રુ.37.85 લાખની સંચાલક દ્વારા વારંવાર માગણી કરવામાં આવતી હોવા છતાં ઠગોએ પરત નહી કરતા તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.