વડોદરામાં જર્જરિત થઇ ગયેલી જૂની ન્યાયમંદિર કોર્ટની સ્વચ્છતા, જાળવણી માટે બરોડા બાર એસોસિયેશને ઠરાવ સાથે કલેકટરને કરી રજૂઆત
જૂની ઐતિહાસિક ન્યાયમંદિર તથા લાલ કોર્ટની ઇમારતને પાલિકા તંત્ર અને તેના કબ્જેદાર દ્વારા જાળવણી ન કરાતાં બરોડા બાર એસોસિયેશન આગળ આવ્યું છે
વકીલોની લાગણી જોડાયેલી હોય જો પાલિકા તેની સ્વચ્છતા, જાળવણી ન કરી શકતું હોય તો બરોડા બાર એસોસિયેશનને સોંપવામાં આવે તેવી રજૂઆત કરાઇ
(પ્રતિનિધિ) વડોદરા તા.29
શહેરના ગાયકવાડી સમયની શહેરના સુરસાગર તળાવ નજીક આવેલ ન્યાયમંદિર તથા લાલ કોર્ટની ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને સ્વચ્છતા ન થતી હોવાથી વડોદરાના વકીલોની લાગણી દુભાઈ છે અને હવે બરોડા બાર એસોસિયેશન આગળ આવ્યું છે જેમાં બરોડા બાર એસોસિયેશન દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે સાથે જ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને સ્વચ્છતા જો કબજેદાર કે પાલિકા તંત્ર ન કરી શકતું હોય તો વડોદરા વકીલ મંડળને ને જવાબદારી સોંપવામાં આવે સ્વચ્છતા ખર્ચ વકીલોએ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે.
વડોદરા શહેર ગાયકવાડી નગરી તરીકે,વટપ્રદ નગરી તરીકે પોતાની અલાયદી ઓળખ સાથે ગૌરવભેર જાણીતું હતું. ગાયકવાડ રાજાએ શહેરને ઘણી ઐતિહાસિક ઇમારતોની ભેંટ આપી છે પરંતુ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતા રાજકીય નેતાઓ અને પાલિકા તંત્ર શહેરની હેરિટેજ ઇમારતોની જાળવણી અને નિભાવણી કરવામાં સાવ નિષ્ફળ અને નિષ્ક્રિય રહ્યું છે આવી જ એક ઈમારત એટલે સુરસાગર તળાવ નજીક આવેલ ન્યાયમંદિર તથા લાલ કોર્ટની ઐતિહાસિક ઇમારત. આ ન્યાયમંદિર સંકુલ આ.સ.1896 માં બંધાયું હતું જ્યાં એક સમયે બ્રિટિશ શાસનકાળ દરમિયાન હાઇકોર્ટ બરોડા સ્ટેટની આ જગ્યાએ હતી.અહી ઘણા વકીલો તથા જજ આજે નામના મેળવી ચૂક્યા છે,કેટલાય ચૂકાદાઓ આજે પણ દાખલારૂપ ગણાય છે.સમય જતાં ન્યાયમંદિર સંકુલ અને તેની સામે લાલકોર્ટથી ઓળખાતા સંકુલમાં દિવાની તથા ફોજદારી અદાલતો શરુ કરવામાં આવી હતી સમય જતાં અહીં પાર્કિંગ અને જગ્યાની મોકળાશના કારણે દિવાળીપુરા ખાતે નવીન ન્યાયમંદિર બનતા વકીલો,જજ,સ્ટાફ ભારે હ્રદયે અહીંથી શિફ્ટ થયા પરંતુ વકીલોની લાગણી હજી આ ઇમારત સાથે જોડાયેલી છે બીજી તરફ આ બંને ઇમારતોના કબજેદાર અથવા વડોદરા મહાપાલિકા દ્વારા અહીં સ્વચ્છતા, જાળવણી કરવામાં ઉદાસીન જણાય છે ત્યારે બરોડા બાર એસોસિયેશન દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ઠરાવ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં આ ઇમારતો જેના હસ્તક છે અને પાલિકા તંત્ર જો તેની સફાઇ નથી કરાવી શકતું તો સ્વચ્છતા ની જવાબદારી વડોદરા વકીલ મંડળ ને સોંપવામાં આવે જેનો ખર્ચ વકીલોએ એટલે બરોડા બાર એસોસિયેશન ઉઠાવવાની તૈયારી દર્શાવી છે.