લોડેડ દેશી પિસ્તોલ સાથે ફતેગંજ પોલીસે કરી ધરપકડ, હિંસક કૃત્ય અટકાવાયું
વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી પોલીસે લોડેડ દેશી બનાવટની વિદેશી પિસ્તોલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે ફતેગંજ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તન્મય ઉર્ફે સન્ની જાદવ (ઉંમર 26, રહે: સમા, વડોદરા) અને સન્ની સિંહ (ઉંમર 30, રહે: દશરથ, વડોદરા) જૂન 2024માં બનેલા એક જૂના કેસના બદલો લેવા માટે દેશી પિસ્તોલ સાથે હિંસક કૃત્ય કરવા માટે આવ્યા હતા. આ અંગે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે નવાયાર્ડ નાળાથી ડિલક્સ ચાર રસ્તા તરફ જતા બંનેને ઝડપી પાડવામાં આવ્યા.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ કૌટુંબિક કાકા પાસેથી પિસ્તોલ મેળવેલી હતી. તેઓ અશોક મયાવંશી અને હિરેન ઉર્ફે અંડી સોલંકી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જૂન 2024માં નવાયાર્ડ ગાર્ડન ખાતે અશોક મયાવંશી અને હિરેન સોલંકી સામે તલવાર અને ધારિયા વડે હુમલો કરાયો હતો, જેમાં સન્ની જાદવ ફરિયાદી તરીકે હતો. તે જ અદાવતમાં હવે તે બદલો લેવા માટે પિસ્તોલ સાથે આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ પાસેથી પિસ્તોલ, જીવતા રાઉન્ડ સાત, ચપ્પુ જેવું હથિયાર અને જુપીટર સહિત કુલ 52,330/- નો મુદ્દામાલ કબ્જે કરી ફતેગંજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે પિસ્તોલ ક્યાંથી અને કેવી રીતે મંગાવવામાં આવી હતી તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર મામલે આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનાક્રમમાં ભાદરવા પ્રકરણના તાર પણ જોડાયેલા હોવાનું ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે પોલીસ એ દિશામાં તપાસ કરે છે કે કેમ તે જોવાનું રહેશે.