વડોદરા,
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) પ્રેરિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વડોદરા દ્વારા ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) માં પ્રવેશ માટેની પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.






કાર્યક્રમની રૂપરેખા અને આયોજન
વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આ બે દિવસીય પસંદગી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાયાના સ્તરેથી રમતવીરોની ક્ષમતા ઓળખી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પૂરી પાડવાનો છે.
પ્રથમ દિવસ બહેનોની શારીરિક કસોટી માટે ફાળવવામાં આવ્યો હતો, જેમાં અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલી દીકરીઓએ ભાગ લીધો છે. જયારે બીજો દિવસ ભાઈઓ માટેની વિવિધ કસોટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૨૦૦ થી વધુ ભાઈઓએ ભાગ લીધો હતો.
વૈજ્ઞાનિક પદ્ધતિથી શારીરિક ક્ષમતાની ચકાસણી
વિદ્યાર્થીઓની ક્ષમતા માપવા માટે કુલ ૮ વૈજ્ઞાનિક ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે, જેના સ્કોરના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમાં ૩૦ મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ૪૦૦ મીટર દોડ, વર્ટિકલ જમ્પ, બેન્ડ એન્ડ રીચ, શટલ રન, ઊંચાઈ અને વજન આવરી લેવામાં આવેલ છે.
આ પ્રક્રિયામાં ઉત્તીર્ણ થઈ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર ખેલાડીઓને સરકાર તરફથી સંપૂર્ણ નિઃશુલ્ક સુવિધાઓ આપવામાં આવશે, જેવી કે:
શિક્ષણ: શાળાની પ્રવેશ ફી અને શૈક્ષણિક ખર્ચ સંપૂર્ણ મફત.
રહેઠાણ અને ખોરાક: હોસ્ટેલની સુવિધા અને નિષ્ણાત ડાયેટિશિયન દ્વારા તૈયાર કરાયેલ પૌષ્ટિક આહાર.
તાલીમ અને કીટ: રમતની ઘનિષ્ઠ તાલીમ, સ્પોર્ટ્સ કીટ અને રમતના સાધનો.
આર્થિક સહાય: માસિક સ્ટાઈપેન્ડ અને મેડિકલેમની સુવિધા.
એક્સપોઝર: વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ અને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક.
આ કસોટીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાની કસોટીમાં ભાગ લેવા માટે પસંદગી પામશે.