Vadodara

વડોદરામાં ચૂંટણી જંગ જામ્યો: અપક્ષોની ‘એન્ટ્રી’થી મુખ્ય પક્ષોના શ્વાસ અધ્ધર

હાર-જીતના સમીકરણો બગડવાની ભીતિ​

રાજકીય પક્ષો માટે ‘ફોર્મ પરત’ ખેંચાવવું એ જ હવે અગ્નિપરીક્ષા; વડોદરાના રાજકારણમાં પડદા પાછળના ખેલ તેજ

વડોદરા: વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે. જોકે, આ વખતે ચૂંટણી માત્ર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની લડાઈ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ‘અપક્ષ’ તરીકે મેદાનમાં ઉતરેલા ઉમેદવારો આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શહેરના વિવિધ વોર્ડમાં જે રીતે અપક્ષોએ ફોર્મ ભર્યા છે, તેને જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે અનેક લોકો માટે આ ચૂંટણી જાણે ‘કમાવાની સીઝન’ બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરનારા અનેક અપક્ષ ઉમેદવારો ખરેખર ચૂંટણી લડવા માટે નહીં, પરંતુ મુખ્ય પક્ષો પાસે પોતાની ‘કિંમત’ કરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે આ ઉમેદવારો અત્યારે શાંતિથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પતવાની રાહ જોઈ રહ્યા છે. આ ઉમેદવારોની નજર સત્તાધારી પક્ષ અને મુખ્ય વિરોધ પક્ષના નેતાઓ પર છે. તેઓ એવી આશામાં બેઠા છે કે ફોર્મ ચકાસણી બાદ મુખ્ય પક્ષોના નેતાઓ તેમનો સંપર્ક કરશે અને ફોર્મ પાછું ખેંચવા માટે ‘ખાસ સમજાવટ’ (સેટિંગ) કરશે.
મુખ્ય રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચિંતા એ છે કે જો અપક્ષ ઉમેદવાર તેમની જ જ્ઞાતિ કે વિસ્તારનો હશે, તો તે પક્ષના હાર-જીતનો નિર્ણય બદલી શકે છે. ખાસ કરીને જે વોર્ડમાં જીતનું અંતર ઓછું રહેતું હોય છે, ત્યાં અપક્ષ ઉમેદવારો દ્વારા કાપવામાં આવેલા 500 થી 1000 વોટ પણ સત્તાધારી પક્ષના ઉમેદવારનું પત્તું કાપી શકે છે. આથી, મુખ્ય પક્ષના ધુરંધરો અત્યારે ગુપ્ત રીતે એવા અપક્ષોની યાદી બનાવી રહ્યા છે જેમને મેદાનમાંથી હટાવવા અનિવાર્ય છે.
શહેરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કેટલાક લોકોએ તો માત્ર ‘સોદાબાજી’ કરવાના ઈરાદે જ ઉમેદવારી પત્ર ભર્યા છે. આ ઉમેદવારો જાણે છે કે ચૂંટણીના સમયે તેમની અવગણના કરવી કોઈ પણ મોટા પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં આવા ઉમેદવારોને મનાવવા માટે પદની લાલચ, આર્થિક વ્યવહારો અથવા ભવિષ્યમાં કામો કરી આપવાના વાયદાઓનો દોર ચાલશે.
માત્ર તકવાદીઓ જ નહીં, પણ જેમને પક્ષમાંથી ટિકિટ નથી મળી તેવા નારાજ કાર્યકરોએ પણ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. આ બળવાખોરો મુખ્ય પક્ષની ઊંઘ હરામ કરી રહ્યા છે. તેઓ પોતે જીતશે કે નહીં તે પ્રશ્ન ગૌણ છે, પણ તેઓ પક્ષને હરાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. સત્તાધારી પક્ષના મોવડી મંડળ માટે આ બળવાખોરોને મનાવવા એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ શકે છે.
હવે વડોદરાની જનતાની નજર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ પર છે. ત્યારે જોવાનું એ રહેશે કે કેટલા ‘સાચા’ ઉમેદવારો મેદાનમાં રહે છે અને કેટલા ‘સમજાવટ’ બાદ મેદાન છોડીને ઘરે બેસી જાય છે.

Most Popular

To Top