સમા વિસ્તારમાં આકસ્મિક તપાસ, નિયમોનો ભંગ ઝડપાયો
હોમ ડિલિવરી વગર ચાર્જ વસૂલતા ગ્રાહકોમાં રોષ
વડોદરા:; શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરના વિતરણમાં ગેરરીતિ અટકાવવા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સતત ચકાસણીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત સમા વિસ્તારમાં આવેલી ‘હરિ ગેસ એજન્સી’ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એજન્સી દ્વારા સરકારના નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં ખુલ્યું કે ગેસ એજન્સી ગ્રાહકોને ઘર સુધી સિલિન્ડર પહોંચાડવાને બદલે સીધું જ ગોડાઉન પરથી વિતરણ કરતી હતી અને છતાં ડિલિવરી ચાર્જ વસૂલતી હતી. આ રીતે ગ્રાહકો પાસેથી ગેરકાયદેસર રીતે વધારાના નાણાં વસૂલવામાં આવતા હોવાનું જણાયું હતું. આ ગેરરીતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એજન્સીને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે ગ્રાહકોના હિતોની સુરક્ષા અને નિયમોનું કડક પાલન કરાવવું તેમની પ્રથમ પ્રાથમિકતા છે. આવી જ ચકાસણીઓ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.