Vadodara

વડોદરામાં ગેસના પુરવઠા બાબતે અંધાધૂંધી, કલેક્ટર તંત્ર ઊંઘતું ઝડપાયું, લોકોમાં ભયનો માહોલ

તંત્રની આંકડાબાજી વચ્ચે ગ્રાહકોમાં ફાળ, અગાઉથી આયોજન કરવામાં નિષ્ફળ રહેલા કલેક્ટરે હવે દોડધામ શરૂ કરી

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના પુરવઠાને લઈને ફેલાયેલી અફવાઓ અને અંધાધૂંધી માટે જિલ્લા વહીવટી તંત્રની શિથિલતા જવાબદાર હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા એસ્મા (ESMA) લાગુ કરાયા બાદ જ્યારે જનતામાં ગભરાટ ફેલાયો અને ‘પેનિક બૂકિંગ’ શરૂ થયું, ત્યારે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ મોડા-મોડા જાગીને બેઠકોનો દોર શરૂ કર્યો છે. તંત્રની અગમચેતીના અભાવે સામાન્ય નાગરિકોમાં રાંધણ ગેસની અછતનો ડર પેસી ગયો છે. કલેક્ટર તંત્ર દાવો કરી રહ્યું છે કે રોજની 8000ની માંગ સામે 14700 સિલિન્ડર ભરવાની ક્ષમતા છે, પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે જો પુરવઠો આટલો વિપુલ હતો તો બજારમાં અફવાઓ ફેલાઈ ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું ? છેલ્લા કેટલાક દિવસોમાં બૂકિંગનો આંકડો 8 હજારથી વધીને 12 હજાર પર પહોંચી ગયો હોવા છતાં, પુરવઠા વિભાગે સમયસર એજન્સીઓ પર લગામ કેમ ન કસી ? આ વિલંબને કારણે જ કાળાબજારિયાઓને મોકળું મેદાન મળી ગયું હોવાની ચર્ચાઓ જાગી છે. હવે જ્યારે સ્થિતિ હાથમાંથી નીકળી રહી છે ત્યારે કલેક્ટરે મામલતદાર કક્ષાએ ટીમો બનાવવાની જાહેરાત કરી છે. જાણકારોનું કહેવું છે કે જો આ મોનિટરિંગ અગાઉથી જ ચુસ્ત હોત તો કાળાબજારી અને સંગ્રહખોરીના ડરે ગ્રાહકોએ લાઈનોમાં ઊભા રહેવું પડ્યું ન હોત. 5.44 લાખ ગ્રાહકોના માથે અત્યારે અનિશ્ચિતતાની તલવાર લટકી રહી છે, અને તંત્ર માત્ર આશ્વાસનોની આંકડાબાજી કરી રહ્યું છે.

વહીવટી તંત્રની નિષ્ફળતા છુપાવવા બેઠકોનો ફિયાસ્કો

જિલ્લા પુરવઠા અધિકારી અને કલેક્ટરે આજે ગેસ કંપનીઓ સાથે બેઠક યોજી હતી, પરંતુ આ બેઠક માત્ર કાગળ પરની કાર્યવાહી હોય તેમ જણાય છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સીઓ પર કોઈનું નિયંત્રણ નથી. માંગ કરતા સપ્લાય વધુ હોવાના સરકારી દાવાઓ વચ્ચે ગ્રાહકોને સિલિન્ડર મેળવવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. કલેક્ટર તંત્રની આ ‘મોડી જાગૃતિ’ જનતા માટે કેટલી કારગત નીવડશે તે તો સમય જ બતાવશે.

જનતાનો સવાલ: તંત્ર અત્યાર સુધી કેમ મૌન હતું ?

  • અગમચેતીનો અભાવ :- વૈશ્વિક સ્થિતિ તંગ હતી તો તંત્રએ અગાઉથી કેમ સ્પષ્ટતા ન કરી ?
  • બ્લેક માર્કેટિંગનો ડર :- કોમર્શિયલ જથ્થો મર્યાદિત હોવાથી ઘરેલું ગેસ ચોરી થવાની પૂરી શક્યતા, છતાં તપાસમાં ઢીલ.
  • બૂકિંગમાં વિલંબ :- 25 દિવસના અંતરાલના નિયમથી ગૃહિણીઓમાં ચિંતા, શું જરૂરિયાતના સમયે ગેસ મળશે ખરો ?

Most Popular

To Top