Vadodara

વડોદરામાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવવા કોર્પોરેશનની મોટી બેઠક

બેઠકમાં વિવિધ ધર્મોના 35 થી 40 આગેવાનો હાજર રહ્યા

હાઈકોર્ટના આદેશ બાદ વડોદરા મ્યુ. કોર્પોરેશન તંત્ર હરકતમાં,

વડોદરા શહેરમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ દૂર કરવા માટે આજે મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. કોર્પોરેશનની વડી કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં વિવિધ ધર્મોના 35 થી 40 આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, જેમાં શહેરમાં ધાર્મિક દબાણ હટાવવા અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી 15 દિવસ બાદ ફરી એકવાર બેઠક યોજાશે, જ્યાં આખરી નિર્ણય લેવામાં આવશે.

તાજેતરમાં, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરકાયદેસર ધાર્મિક દબાણ અંગે સ્વતઃ નોંધ લઈ પાલિકા તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ખાસ કરીને 314 ગેરકાયદેસર મંદિરો અને દરગાહોને હટાવવાની તાકીદ કરી છે. સાથે જ, હાઈકોર્ટે તંત્રને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા સુચના આપી છે. હાઈકોર્ટના આદેશ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે અને ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી જાહેર માર્ગો અને જગ્યાઓ પર ગેરકાયદે ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યા છે. આથી, હાઈકોર્ટે સુઓમોટો પગલું લઈને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા આદેશ કર્યો છે.

વર્ષ 2006માં પણ ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ગેરકાયદે ધાર્મિક બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો. તે વખતે પણ શહેરમાં કેટલાક ધર્મના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હતો, પણ અંતે કાયદા અનુસાર કાર્યવાહી થઈ હતી. આગામી 15 દિવસમાં વિવિધ ધર્મોના આગેવાનો સાથે વધુ એક બેઠક યોજાશે. જેમાં 314 ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ હટાવવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો સ્વૈચ્છિક રીતે દબાણ નહિ હટવાય તો તંત્ર કડક કાર્યવાહી કરશે


આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા ધાર્મિક આગેવાનોને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા:

  1. સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા : જો કોઈ આગેવાન અથવા સમુદાય પોતે જ તેમના ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ દૂર કરવા તૈયાર હોય, તો તે વિના વિવાદ પૂર્ણ કરી શકાય.
  2. અન્ય સ્થળે ખસેડવાનો વિકલ્પ : જે ધાર્મિક સ્થળો સરકારી જમીન પર બાંધવામાં આવ્યા છે, તેમને કોઈ અનુકૂળ જગ્યાએ ખસેડી શકાય.
  3. નિયમિતકરણની પ્રક્રિયા : જો ધાર્મિક બાંધકામ જાહેર વ્યવસ્થામાં કોઈ અવરોધ ન ઉભું કરતું હોય, તો મહેસૂલ વિભાગની મંજૂરીથી તેને નિયમિત કરી શકાય.

Most Popular

To Top