વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ માટે કોર્પોરેશન હસ્તકના ટીપી સ્કીમના પ્લોટ, જમીનો અને રસ્તા પૈકીની જગ્યાઓ તેમજ અકોટા સ્ટેડિયમ ગરબા માટે ફાળવવામાં આવનાર છે. આ માટે ગરબા આયોજકો અને સંસ્થાઓ પાસેથી કોર્પોરેશનએ અરજીઓ મંગાવી છે. આ અરજીઓ ડિપોઝિટની રકમ સાથે કોર્પોરેશનની જમીન મિલકત શાખા કોમર્શિયલને તથા અકોટા સ્ટેડિયમ માટે ટુરિસ્ટ ઓફિસ સયાજીબાગને તારીખ 31 ડિસેમ્બર સુધીમાં આપવાની રહેશે. આવેલી અરજીઓ અંગે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા અગાઉ નક્કી કરવામાં લાગતો અને શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષે આ રીતે અરજીઓ મંગાવવામાં આવે છે. ગયા વર્ષે જુદા-જુદા પ્લોટ અને રોડ રસ્તાની જમીન માટે 23 અરજીઓ આવી હતી. જેમાંથી અમુક પ્લોટ માટે બે અને ત્રણ અરજીઓ મળી હતી. કોર્પોરેશનની જગ્યાઓ અને પ્લોટ અકોટા, કારેલીબાગ, ન્યુ સમારોડ, નિઝામપુરા, છાણી, માંજલપુર, ભાયલી
રોડ વગેરે ખાતે આવેલ છે. કોર્પોરેશન દ્વારા વર્ષોથી નવરાત્રીના દિવસો માટે પ્રતિદિન રૂપિયા 1ના ટોકન ભાડાથી આ પ્લોટ આપવામાં આવે છે. આ સિવાય સ્ટોલ વગેરે નક્કી કરેલી લાગતો સાથે ફાળવવામાં આવે છે. જે અરજીઓ આવશે તે અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.