Vadodara

વડોદરામાં ખાદ્ય સુરક્ષા અભિયાન, પાલિકા દ્વારા ₹58,500નો દંડ

ચણાદાળ, બેસન અને પનીરના નમૂના અપ્રમાણસર, તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી

(પ્રતિનિધિ), વડોદરા. તા.6

શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના હેઠળ સીનીયર ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી કુલ 45 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે પૈકી 4 નમૂનાઓ લેબોરેટરી રિપોર્ટમાં અપ્રમાણસર જાહેર થયા છે.

પાલિકા દ્વારા અગાઉ લેવામાં આવેલા નમૂનાઓ પૈકી 4 એકમોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં માંજલપુર સ્થિત રીલાયન્સ રીટેલ લિમિટેડમાંથી લેવાયેલ લુઝ ચણાદાળનો નમૂનો તપાસમાં ‘અનસેફ’ જાહેર થયો છે. ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલ ‘વ્રજ ફુડ્સ’નો બેસન, હાથીખાનાના ‘શ્રી માધવ ટ્રેડર્સ’નો હળદર પાવડર અને છાણી રોડ પરના ‘ગોકુલ ટ્રેડર્સ’નો પનીરનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો છે.

ખોરાક શાખા દ્વારા કારેલીબાગ, માંજલપુર, અટલાદરા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં 20 જેટલા એકમો પર તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કેરીનો રસ, આઈસક્રીમ, પનીર, મસાલા અને તેલ સહિત કુલ 45 નમૂનાઓ ટેસ્ટીંગ માટે ફતેગંજ સ્થિત લેબોરેટરીમાં મોકલાયા છે. ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ વેપારીઓ પાસેથી કુલ ₹58,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રીની સૂચના અનુસાર, હોટલ અને રેસ્ટોરન્ટમાં અસલી પનીર કે ચીઝના બદલે ‘એનાલોગ’ (વનસ્પતિ ફેટમાંથી બનેલા પદાર્થો) ના વેચાણ સામે ખાસ અભિયાન છેડાયું છે. શહેરની 107 રેસ્ટોરન્ટ અને 10 ધાબા સહિત કુલ 125 એકમોમાં તપાસ કરાઈ હતી. જો કોઈ વેપારી એનાલોગ પદાર્થ વાપરતા હોય, તો ગ્રાહકોને દેખાય તે રીતે બોર્ડ કે મેનુકાર્ડમાં દર્શાવવું ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનાર 7 વેપારીઓને શીડ્યુલ-4 મુજબની નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે ફુડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top