શહેરમાં વરસાદી પાણી બાદ રોડમા ભ્રષ્ટાચારના ખાડાઓ..
શહેરના હરણખાના થી નાલબંધ વાડા રોડ, પાણીગેટ, શહેરના ખારીવાવ રોડ સહિત અનેક વિસ્તારોમાં જોખમી ખાડાઓ
બહારથી આવતા લોકોને સ્માર્ટ સિટી જોવી હોય તો વડોદરાની મુલાકાત લેવી જોઈએ
ગત તા. 24મી જુલાઇના રોજ બુધવારે 13 ઇંચ જેટલા વરસાદ બાદ શુક્રવારે દોઢ ઇંચ તથા ગત સોમવારે ખાબકેલા અઢી ઇંચ જેટલા વરસાદમાં શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. આ વરસાદી પાણી ઓસરતા ત્રણ દિવસથી વધારેનો સમય ગયો હતો. પરંતુ ખરી તકલીફો તો શહેરીજનોને હવે અનુભવાઇ રહી છે જેમાં શહેરમાં અનેક વિસ્તારોમાં કે જ્યાં થોડા સમય પૂર્વે રોડપર રિસર્ફેસીંગ, કાર્પેટીંગ ની કામગીરી કરવામાં આવી હતી અને જેના માટે સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટરો પાસેથી આ કામગીરી કરાવી હતી તેવા વિસ્તારોના રોડપર ખાડાઓ પડી જતાં વાહનચાલકો, રાહદારીઓ અને મુંગા પશુઓ માટે જોખમી બન્યા હતા. રાત્રી દરમિયાન તો ઠીક પરંતુ દિવસ દરમિયાન પણ લોકો રોડપરના જોખમી ખાડાઓ પાસેથી પસાર થવા મજબૂર બન્યા છે. એક તરફ જ્યારે પણ કોઇ વ્યક્તિ નવું વાહન ખરીદે છે ત્યારે તેને શહેરના રોડરસ્તાઓ પર વાહન ચલાવતા પહેલાં પાલિકા તંત્રને રોડટેક્સ ચૂકવવો પડે છે પરંતુ ત્યારબાદ વાહનચાલકોને શું સારા રોડરસ્તાઓ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે ખરી? સ્માર્ટ સિટીમાં સ્માર્ટ પાલિકા તંત્રનું વિચિત્ર આયોજન જોવા મળે છે.જ્યાં દરવર્ષે રોડના સર્ફેસીંગની કામગીરી તથા કાર્પેટીંગ ની કામગીરી માટે કરોડો રૂપિયા બજેટમાં ફાળવણી કરી કોન્ટ્રાક્ટરો મારફતે કામગીરી કરાવવામાં આવે છે.ત્યારબાદ આ જ રોડમા ડ્રેનેજ, પાણીની કે પછી અંડરગ્રાઉન્ડ વીજ વાયરોની, કેબલની કામગીરી માટે રોડને ખોદી નાંખવામાં આવે છે. અને ફરીવાર રોડપર રિસર્ફેસીંગ કામગીરી કરવામાં આવે છે. આ તો પેલી કહેવત જેવું છે સવારે ખાડો ખોદી સાંજે પૂરી દેવા જેવો ઘાટ થાય છે.અને ખાસ કરીને ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલી ખોદકામ કામગીરી નું યોગ્ય રીતે પૂરાણ પણ કરવામાં આવતું નથી ના તો પાલિકા તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટરો ની કામગીરી પર કોઇપણ પ્રરકારનુ મોનિટરિંગ કરવામાં આવતું નથી જેના કારણે ચોમાસામાં રોડમા ભૂવા, ખાડાઓ પડી જાય છે છતાં કોઇ કોન્ટ્રાક્ટરો પર દંડ વસૂલવા કે બ્લેકલિસ્ટ કરવાની કામગીરી કરાતી નથી તેની પાછળ શું કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે કંઈક ‘સમજૌતા’ થાય છે કે શું તે એક ચર્ચાનો વિષય બન્યો છે.બીજી તરફ હાલમાં
શહેરના ખારીવાવ રોડપર પાણીની લાઇનની કામગીરી બાદ રોડપર યોગ્ય પૂરાણ ન કરાતાં જોખમી ખાડા પડયા છે તે જ રીતે શહેરના હરણખાના થી નાલબંધ વાડા સુધીના રોડ કે જ્યાં તાજેતરમાં જ તાજીયા વિસર્જન સમયે રોડપર રિસર્ફેસીંગ કામગીરી કરવામાં આવી હતી તે રોડપર ખાડાઓ પડી જતાં લોકોને હાલાકી પડી રહી છે. બીજી તરફ શહેરના પાણીગેટ વિસ્તારમાં પણ રોડમા ભ્રષ્ટાચારરૂપી ખાડાઓ ટેક્સ ભરતા વાહનચાલકો, રાહદારીઓ માટે જોખમી બન્યા છે. શહેરમાં જો કોઈ મોટા રાજકીય નેતા આવવાના હોય તેઓની ખુશામત માટે રાતોરાત લખોટી ગગડે તેવા રોડ કરી દેનાર પાલિકા તંત્ર વેરો ભરતી જનતાને સારા રોડરસ્તાઓ, પીવાના શુદ્ધ પાણી, ડ્રેનેજની સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય જણાય છે.જો બહારથી લોકો આવે તો સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડરસ્તાઓ જોઇ શું છાપ લ ઇ જશે તે અંગે પણ તંત્રે વિચારી આત્મમંથન કરવું જોઈએ.
વૃંદાવન ચારરસ્તા નજીક વરસાદી પાણી ને કારણે રોડપર એક્ટિવા પડી જતાં મહિલાને ઇજા.
*શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા વૃંદાવન ચારરસ્તા પાસે રોડપરના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીના કારણે મંગળવારે બપોરે 3વાગ્યાની આસપાસ એક એક્ટિવા ચાલક દંપતીનુ એક્ટિવા પડી જતાં ચાલક અલ્પેશભાઇ જયસ્વાલના પત્ની સોનલબેન ને ઇજા પહોંચી હતી જેઓને108મારફતે સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયતમા સુધારો હોય તેઓને બીજા દિવસે રજા આપવામાં આવી હતી સદનસીબે મોટી દુર્ઘટના થતી ટળી હતી.