મુખ્યમંત્રીએ તાકીદ કરતાં વડોદરા પાલિકા કમિશનર હરકતમાં આવ્યા
વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તા અને ખાડાઓના મુદ્દે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કર્યા બાદ આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શનમાં આવ્યા છે. તેમણે વડોદરા પાલિકા કચેરીએ ઈજારદારો અને સંબંધિત અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી અને રસ્તાઓના ખાડા તાકીદે પુરવા માટે આદેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ સોમવારે વીડિયો કોન્ફરન્સમાં માર્ગ મકાન વિભાગના સચિવો, 33 જિલ્લાના ડીડીઓ, 17 મહાનગરોના કમિશનરો અને 171 નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટ રીતે ચેતવણી આપી કે, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP) હેઠળ જે કોન્ટ્રાક્ટરો જવાબદાર છે અને જો તેઓ સમયસર રીપેરીંગ ન કરે તો તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે અને જો સ્થાનિક તંત્ર આવા કોન્ટ્રાક્ટરો સામે પગલા ન લે તો ફરજના અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે.
આ બેઠક પછી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાકીદ કરી કે, શહેરના ખાડાવાળા રસ્તાઓનું રીપેરિંગ તાત્કાલિક શરૂ થવું જોઈએ. રોડ, ડ્રેનેજ અને પાણી વિભાગના કોન્ટ્રાક્ટરોને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી. સાથે બેઠકમાં સ્ક્રીન પર શહેરના તૂટી ગયેલા રસ્તાઓની વિગતો પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બતાવવામાં આવી.
પાલિકા દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, જો કોન્ટ્રાક્ટરો સમયસર કામ નહિ કરે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. ખાસ કરીને DLPમાં આવતા રસ્તાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી અનિવાર્ય છે.