નંદેસરીની દીપ દર્શન કેમિકલ્સમાં ઘટના, શ્વાસ લેવામાં તકલીફથી લોકો પરેશાન
વારંવાર બનતા બનાવોથી લોકોમાં ભારે રોષ
વડોદરા: વડોદરા જિલ્લામાં નંદેસરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી દીપ દર્શન કેમિકલ્સ કંપનીમાંથી આજે ક્લોરીન ગૅસ લીકેજ થતાં હાહાકાર મચી ગયો હતો. અચાનક થયેલા આ લીકેજને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ગ્રામજનો શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં જલન જેવી અસરોથી પરેશાન થઈ ગયા હતા.

થોડા સમય બાદ લીકેજ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં જનજીવન ઉપર મોટા પ્રમાણમાં અસર જોવા મળી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલી અનેક કેમિકલ કંપનીઓ દ્વારા વારંવાર આવા બનાવો સર્જાય છે અને તેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. સ્થાનિકોમાં ભારે રોષનું મોજૂ ફાટી નીકળ્યું છે.

તેઓએ માંગણી કરી છે કે આવા બેફામ બનતા ઉદ્યોગો સામે કડક પગલાં ભરવા જોઈએ. તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકો હવે સરકાર તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.