Vadodara

વડોદરામાં કાળમુખા ટેન્કરે માસૂમનો જીવ લીધો

રમતાં બાળકને ટેન્કર ચાલકની બેદરકારીએ જીવ લીધો

વડોદરાના કારેલીબાગમાં પાણીના ટેન્કર નીચે કચડાતા આશરે 5 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત; પરિવારમાં આક્રંદ

(પ્રતિનિધિ), વડોદરા. તા.19

વડોદરા શહેરમાં ટ્રાફિક અને બેફામ દોડતા ભારે વાહનો જાણે માસૂમો માટે કાળ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે ફરી એકવાર વડોદરાના રસ્તા લોહીથી ખરડાયા છે. શહેરના કારેલીબાગ પાણી ની ટાંકી પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં આશરે 5 વર્ષના એક નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના કારેલીબાગ પાણીની ટાંકી પાસે સર્જાઈ હતી. પાણીના ટેન્કર ચાલકે માસૂમ બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરના ટાયર નીચે આવી જવાથી બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રસ્તા પર પડેલો માસૂમનો મૃતદેહ જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા. ઘટનાને પગલે કારેલીબાગ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. વડોદરામાં સતત વધી રહેલા અકસ્માતો હવે ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં પાણીના ટેન્કરો અને ભારે વાહનોની ગતિ પર કેમ કોઈ નિયંત્રણ નથી ? શું આ માસૂમના મોત માટે તંત્રની બેદરકારી જવાબદાર છે ? એક હસતા-રમતા પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે.

Most Popular

To Top