આખીરાત કમોસમી વરસાદની ‘ડબલ’ થપાટ: વાહનવ્યવહાર ઠપ્પ, લોકો ભારે વરસાદ અને ઠંડીના કારણે જ્યાં હતા ત્યા જ રોકાવા મજબૂર
વડોદરા ::સિઝનનો વરસાદ પૂરો થતાં શહેરના તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ શિયાળાની શરૂઆત સાથે જ વરસેલા કમોસમી વરસાદે ઠંડીના માહોલ વચ્ચે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. અણધાર્યા વરસાદના કારણે માત્ર ઠંડક જ નહીં, પણ ચોમાસા જેવી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે રેલવે ગરનાળા સહિત ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા અને લોકો જ્યાં હતા ત્યાં જ થોભી જવા મજબૂર બન્યા હતા.

શહેરમાં અચાનક કમોસમી એન્ટ્રી લેનાર વરસાદે વાતાવરણમાં ભારે ઠંડીનો માહોલ સર્જી દીધો હતો, જેનાથી લોકો સ્વેટર પહેરવું કે રેઇનકોટ તેવી દુવિધામાં મુકાઇ ગયા હતા. જોકે, વરસાદ શરૂ થતાંની સાથે જ શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા અલકાપુરી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની હતી.
અલકાપુરી ગરનાળું વાહનોની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ થાય તે પહેલા જ અફરાતફરી સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે એક પીકઅપ વાન અને એક બાઇક ગરનાળામાં અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. વાહનો ફસાતાની સાથે જ અન્ય વાહનચાલકોએ આગળ વધવાનું જોખમ ન લેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને ગરનાળામાંથી વાહનવ્યવહાર થંભી ગયો હતો.

અણધાર્યા વરસાદના કારણે શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારો અને અન્ય રેલવે ગરનાળાઓમાં પણ પાણી ભરાયા હતા, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદે જ્યાં એક તરફ રવિ અને શિયાળુ પાકની ચિંતામાં ખેડૂતોને મૂક્યા છે, ત્યાં બીજી તરફ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ફરી એકવાર ખોલી નાખી છે. તંત્રએ તાત્કાલિક પમ્પિંગ સેટ દ્વારા ગરનાળામાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.