માંડવી અને પાણીગેટ પેટા વિભાગીય કચેરીના વિસ્તારોમાં 1632 કનેક્શન ચકાસ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરામાં એમજીવીસીએલની વડી કચેરી દ્વારા માંડવી પેટા વિભાગીય કચેરી અને પાણીગેટ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળમાં આવતા વિસ્તારોમાં પોલીસને સાથે રાખી વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1632 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા. દરમિયાન કુલ 62 વીજ કનેક્શનમાંથી 56.94 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

મધ્ય ગુજરાત વીજ કંપનીની મુખ્ય કચેરી દ્વારા શહેરની બે પેટા વિભાગની કચેરીમાં આવતા વિસ્તારોમાં વિજિલન્સને સાથે રાખી દરોડા પાડયા હતા. જેમાં મોટી વીજ ચોરી ઝડપાઈ હતી. પ્રથમ માંડવી પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં યાકુતપુરા,પાણીગેટ, ભદ્રકચેરી, દૂધવાળા મહોલ્લો, શ્યામવાલા કોમ્પલેક્ષ ,અલકસ્વ, મીનારા કોમ્પલેક્ષ, રેશમવાલા ખાચા, ચુડીવાળી ગલી, લાલ અખાડા હાથીખાના, ગેંડાફળિયું, મહાવત ફળિયું, મીઠાફળિયું, આસપાસ વિસ્તારમાં વીજચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી,તેમાં કુલ 888 વીજ જોડાણો તપાસ કરતા કુલ પૈકી 34 વીજ જોડાણમાં વીજચોરી ઝડપાઈ હતી.

જેનું 135/126 કલમ હેઠળનું વીજચોરીનું પુરાવણી બિલ રૂપિયા 29.81 લાખ જેટલું આકારવામાં આવ્યું છે. બીજા દરોડામાં પાણીગેટ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં બાવામાનપુરા, કાઞલાચાલ, પાણીગેટ શાકમાર્કેટ, રાજારાણી તલાવ, હજરત એપાર્ટમેન્ટ , ઈકરા ફ્લેટ, બાવચાવાડ, મહાકાલી નગર, વીમા દવાખાના, આસપાસ વિસ્તારમાં વીજચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, તેમાં કુલ 744 વીજ જોડાણો તપાસ કરતા કુલ પૈકી 28 વીજ જોડાણમા વીજચોરી ઝડપાઈ હતી. જેનું135/126 કલમ હેથળનું વીજચોરીનું વીજ પુરવણી બિલ રૂપિયા 27.13 લાખ જેટલું આકારવામાં આવ્યું છે. આમ માંડવી અને પાણીગેટ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળમાં આવતા વિસ્તારોમાંથી કુલ 56.94 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.
