આજવા રોડની કાન્હા સિટીમાં છ માસથી ચાલી રહેલી પાણીની તંગી સામે મહિલાઓએ ઉઠાવ્યો અવાજ
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કકળાટ ભારે બનતો જાય છે. આજવા રોડ સ્થિત કાન્હા સિટીમાં રહેતી મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ આજે પાલિકા ખાતે મોરચો કાઢ્યો. છેલ્લા છ મહિનાથી સતત પાણીની અછતનો સામનો કરવી રહેલી આ સોસાયટીના રહેવાસીઓ હવે ટેન્કરો પર નિર્ભર બન્યા છે. રોજિંદા જીવનમાં પડતી અસુવિધાઓ અને પાણી માટે થતી ધક્કામૂકીથી ત્રસ્ત મહિલાઓએ મળીને પાલિકા અને કાઉન્સિલરો સામે રોષ વ્યક્ત કર્યો. તેમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ સકારાત્મક પગલાં લેવાતા નથી.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ ટેન્કરો દ્વારા પાણી મંગાવવાનો ખર્ચ પણ પોતે જ ઉઠાવી રહ્યા છે, જેને કારણે આર્થિક દબાણ વધી રહ્યું છે. મહિલાઓની માંગ છે કે તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે અને લાંબા ગાળાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે જેથી આવનારા દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ આવું જ પગથિયું લેવાતું જોવા મળ્યું છે, જે વડોદરામાં પાણીના પ્રશ્નની ગંભીરતાને દર્શાવે છે.
