10,000 KLથી વધુ પેટ્રોલનો જથ્થો હોવા છતાં ગભરાટ ફેલાતા સર્જાઈ અફરાતફરી, લૂઝ પેટ્રોલ વેચનારા પંપો સીલ કરવાની પુરવઠા અધિકારીની કડક ચેતવણી
(પ્રતિનિધિ), વડોદરા. તા.24
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને સર્જાયેલી અફરાતફરી અને અફવાઓના માહોલ વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાયેલી અછતની અફવાને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે તંત્રએ તાત્કાલિક મેદાનમાં ઉતરવાની ફરજ પડી હતી. જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈએ સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ખોટા ગભરાટ માં આવવાની જરૂર નથી.
ગઈકાલે ઈંધણની અછતની અફવા ફેલાતા લોકો ગભરાટમાં આવી ગયા હતા અને વાહનો ઉપરાંત કેરબા તથા પીપમાં લૂઝ પેટ્રોલ ભરાવવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં આવેલા ‘માં’ પેટ્રોલિયમ પંપ પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી છૂટક રીતે પેટ્રોલ વેચવામાં આવતું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. આ મામલે પુરવઠા અધિકારીએ લાલ આંખ કરી છે. સુરક્ષાના નિયમોનો ભંગ કરવા બદલ ‘માં’ પેટ્રોલિયમ પંપના સંચાલક વિજયભાઈને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ પંપ સંચાલક લૂઝ પેટ્રોલ વેચશે અથવા સુરક્ષાના નિયમો સાથે ચેડાં કરશે તો તે પંપને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે.
પુરવઠા વિભાગ દ્વારા આંકડાકીય વિગતો જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 253 પેટ્રોલ પંપ આવેલા છે. આંકડા મુજબ જિલ્લામાં હાલ 10,699 કિલો લિટર (KL) પેટ્રોલનો સ્ટોક છે, જેની સામે દૈનિક વેચાણ માત્ર 1,084 KL જેટલું જ છે. તેવી જ રીતે ડીઝલમાં 2,302 KL નો જથ્થો ઉપલબ્ધ છે અને રસોઈ ગેસ માટે 21,347 એલપીજી સિલિન્ડરનો સ્ટોક પર્યાપ્ત છે. પુરવઠો સતત જળવાઈ રહે તે માટે HPCL મંજુસર, BPCL કોયલી અને IOCL ધુમાડ ના ડેપો વહેલી સવારે 6:00 વાગ્યાથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે, જેથી મોડી રાત સુધી પંપો પર ઈંધણ પહોંચતું રહે. જિલ્લા પુરવઠા અધિકારીએ મીડિયાના માધ્યમથી વડોદરાવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારના ગભરાટમાં આવીને પંપો પર લાઈનો ન લગાવે. ઈંધણનો જથ્થો પૂરતો છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. આ ઉપરાંત, જો કોઈ પેટ્રોલ પંપ પર ગેરરીતિ જણાતી હોય અથવા કોઈ લૂઝ પેટ્રોલ આપતું હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા પણ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે. હાલમાં સમગ્ર જિલ્લામાં મામલતદારની ટીમો અને ઓઈલ કંપનીના અધિકારીઓ પેટ્રોલ પંપો પર સતત વિઝિટ કરી વોચ રાખી રહ્યા છે.