Vadodara

વડોદરામાં આરટીએસના કેસોના નિકાલ માટે ખાસ રેવન્યુ કોર્ટનો પ્રારંભ


72થી વધુ મહેસુલીકર્મીઓને ફરજ સોંપવામાં આવી

રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના કેસોના નિકાલની ઝૂંબેશના હજુ ત્રણ તબક્કા યોજાશે

વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સી (આરટીએસ)ના કેસોનો ઝૂંબેશના સ્વરૂપે નિકાલ કરવા માટે સમાહર્તા ડો. અનિલ ધામેલિયા દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસેડિંગના પ્રથમ તબક્કામાં આજે પ્રારંભ થયો હતો.
સરકારી નર્સિંગ કોલેજ ખાતે કલેક્ટર તંત્ર દ્વારા ખાસ રેવન્યુ કોર્ટના કામે આવતા પક્ષકારો અને વકીલો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલેજના પ્રવેશ દ્વાર પાસે જ ક્યાં નંબરનો કેસ ક્યાં રૂમમાં ચાલવાનો છે એની માહિતીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્પ ડેસ્ક ઉપર પણ આ પ્રકારની માહિતી આપવામાં આવતી હતી.
આ ઉપરાંત પક્ષકારો અને વકીલો માટે બેસવા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કોર્ટ રૂમની અંદર પણ આ પ્રકારની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી હતી. ખાસ રેવન્યુ કોર્ટમાં ડભોઇ પ્રાંતના 249, વડોદરા શહેર પ્રાંતના 368 અને ગ્રામ્ય પ્રાંતના 588 કરજણના 119 તથા સાવલીના 132 તથા અન્ય 104 મળી કુલ 1560 જેટલા કેસોનું સવાર અને બપોર બાદ એમ બે સત્રમાં પ્રોસેડિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરી માટે કુલ 72થી વધુ મહેસુલીકર્મીઓને ફરજ સોંપવામાં આવી હતી. પક્ષકારોને રજૂઆતો અને અરજીઓ સાંભળી હવે પછીના તબક્કામાં વાદી કે પ્રતિવાદીઓને સાંભળી કેસોને ઠરાવ ઉપર લેવામાં આવશે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પ્રજાપતિએ સ્થળ નિરીક્ષણ કરી અરજદારોને મળ્યા હતા. નાયબ કલેક્ટર ગીતા દેસાઇ, સુહાની કૈલા અને પૂનમ પરમાર આ અભિયાનનું સંકલન કરી રહ્યા છે.

Most Popular

To Top