Vadodara

વડોદરામાં આગ લાગે ત્યારે જ ‘દબાણ’ દેખાશે? દાંડિયાબજારમાં ફાયરની ગાડી મિનિટો સુધી ટ્રાફિકમાં ઝઝૂમી

વીઆઈપી પ્રોટોકોલને વળગેલું તંત્ર જનતાની સુરક્ષા ભૂલ્યું

તંત્રની લાપરવાહીથી મોટી દુર્ઘટના સર્જાવાનો ભય

વડોદરા:; મહાનગરપાલિકાનું તંત્ર ‘વીઆઈપી’ મહેમાનોની સરભરામાં જેટલું સજાગ છે, તેટલું જ સામાન્ય જનતાની સુરક્ષા બાબતે નિષ્ક્રિય હોવાનું આજે વધુ એકવાર સાબિત થયું છે. શહેરના અત્યંત વ્યસ્ત એવા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આજે ફાયર બ્રિગેડની ગાડી દબાણો અને આડેધડ ટ્રાફિકના કારણે કિંમતી મિનિટો સુધી ફસાયેલી રહી હતી. આ ઘટનાએ પાલિકાની કામગીરી અને જનતાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ગાડી જ્યારે માર્કેટ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે શાકભાજી-ફળોના લારી-ગલ્લાના દબાણો અને રિક્ષાઓના આડેધડ પાર્કિંગને કારણે ગાડી ટ્રાફિકમાં જકડાઈ ગઈ હતી. આ અંગે ફાયર વિભાગના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “આ વખતે તો અમે ગાડી પરત મૂકવા જઈ રહ્યા હતા, પરંતુ જો આ સમયે કોઈ મોટો ફાયર કોલ હોત અને કોઈનો જીવ જોખમમાં હોત, તો સમયસર પહોંચવું અશક્ય હતું.”

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યારે મુખ્યમંત્રી કે અન્ય કોઈ મોટા નેતા વડોદરાની મુલાકાતે હોય છે, ત્યારે આ જ રસ્તાઓ રાતોરાત દબાણમુક્ત અને ચકાચક કરી દેવામાં આવે છે. પરંતુ જેવી VIP મૂવમેન્ટ પૂરી થાય, એટલે તંત્ર ફરી ઘોર નિદ્રામાં સરી જાય છે. શું વડોદરાના સામાન્ય નાગરિકોની સુરક્ષા અને તેમનો સમય માત્ર VIP પ્રોટોકોલ કરતા ઓછા મહત્વના છે?
આ ઘટના પાલિકા માટે ચેતવણી સમાન છે. ઇમરજન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર માટે રસ્તા ખુલ્લા હોવા તે પ્રાથમિક જરૂરિયાત છે. જો આગામી દિવસોમાં આ માર્ગ પરના કાયમી દબાણો દૂર કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિની જવાબદારી કોની રહેશે? તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે.

મુખ્ય સમસ્યાઓ જે ઇમરજન્સી સેવા માટે જોખમી:
*​રિક્ષાઓનું આડેધડ પાર્કિંગ: માર્કેટ ચાર રસ્તા પર રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતું આડેધડ પાર્કિંગ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે.
*​ફ્રૂટ અને શાક માર્કેટના દબાણો: રસ્તાની બંને બાજુ ફૂટપાથ છોડીને મુખ્ય માર્ગ સુધી લારીઓનો જમાવડો રહે છે.
*​તંત્રની આળસ: દબાણ શાખા દ્વારા નિયમિત કામગીરીના અભાવે વિક્રેતાઓ બેફામ બન્યા છે.

Most Popular

To Top