ગુજરાતમાં સમાન સિવિલ કોડ (UCC) અમલ માટે રાજ્ય સરકારે રચેલી સમિતિ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આગામી સપ્તાહમાં બેઠક યોજશે. સંભાવના છે કે આ બેઠક 20 માર્ચે યોજાશે. રાજ્યભરમાં UCC અંગે લોકપ્રતિભાવો મેળવવા માટે સમિતિ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે. આ પ્રક્રિયાનો હેતુ એ છે કે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલાં સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો જાણવા મળે.
આ બેઠક દરમિયાન સમિતિ નાગરિકો, અગ્રણી નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ ધાર્મિક સમુદાયોના નેતાઓ સાથે ચર્ચા કરશે. સમાન સિવિલ કોડ અંગેની વિવિધ સંભાવનાઓ અને પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. UCC સમિતિએ તાજેતરમાં મહેસાણા અને આણંદમાં પણ બેઠક યોજીને સ્થાનિક લોકો અને સમુદાયના નેતાઓ પાસેથી મતામતો એકત્રિત કર્યા હતા. ગુજરાત સરકારે રાજ્યમાં UCC અમલ માટે ખાસ સમિતિની રચના કરી છે. આ સમિતિના સભ્યો રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોના મંતવ્યો સાંભળી રહ્યા છે, જેથી તમામ વર્ગોને આ કાયદામાં પ્રતિબિંબિત કરી શકાય.
