સવારથી વાદળછાયુ વાતાવરણ સાથે ભારે બફારો અનુભવાયો
મોસમનો અત્યાર સુધી કરજણમાં સૌથી વધુ દોઢ ઇંચથી વધુ વરસાદ
વડોદરા,
વડોદરામાં આખો દિવસ બફારો રહ્યા બાદ સાંજે ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોને થોડી રાહત અનુભવી હતી. જોકે પાણીની કટોકટીનો સામનો કરી રહેલા શહેર ઉપર હજુ પણ જોઈએ એટલી મહેર મેઘરાજાએ કરી નથી.
વીતેલા 24 કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં મોટેભાગે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વિવિધ તાલુકાઓની વાત કરીએ તો અત્યાર સુધી સૌથી વધુ વરસાદ કરજણ અને સૌથી ઓછો વરસાદ સાવલી તાલુકામાં નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે શહેરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ બપોર સુધી ધૂપછાવનું વાતાવરણ રહેતા ભારે બફારાનું સામ્રાજ્ય નાગરિકોએ અનુભવ્યું હતું. જોકે સાંજે ધીમો વરસાદ શરૂ થયો હતો.
આ વચ્ચે અત્યાર સુધીના હવામાન વિભાગના વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ કરજણમાં નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોસમનો કુલ વરસાદ કરજણમાં 77 મીમી , સાવલીમાં 1મીમી, વાઘોડિયામાં 42 મીમી, વડોદરા શહેરમાં 40 મીમી, ડભોઇમાં 30 મીમી, પાદરામાં 27 મીમી, શિનોરમાં 63 મીમી અને ડેસરમાં 14 મીમી વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરના તમામ વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે મેઘરાજા મન મૂકીને વરસી પડે તો જ શહેરના લોકોને ખરી રાહત થાય એમ છે.