સોમતળાવ વિસ્તારની બિલ્ડિંગ સાઇટ પરથી તૂટેલા કાચે સર્જ્યો હડકંપ, રીક્ષા ચાલક ઘાયલ એકટીવા ચાલકનો આબાદ બચાવ

વડોદરા શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર પવન સાથે ધૂળભરી હવામાં શહેરની અવરજવર અસરગ્રસ્ત બની. શહેરના સોમતળાવ વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બાંધકામ સાઇટ પરથી ભારે પવનના કારણે કાચ તૂટી જતા ગંભીર બનાવ બન્યો. ભારે પવનના કારણે બિલ્ડિંગ સાઇટ પર લગાવવામાં આવેલ કાચ જાહેર માર્ગ પર તૂટી પડતાં રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ છવાયો. તૂટી પડેલા કાચના ટુકડાઓ રીક્ષાની ઉપર પડતાં રીક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. જ્યારે એકટીવા પર પસાર થઈ રહેલા યુવાનનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જોરદાર પવન અને ધૂળના ગુંબજને કારણે ઝીરો વિઝિબિલિટી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઘણા વાહન ચાલકો રસ્તા પર અટવાઈ ગયા હતા અને ટ્રાફિકમાં પણ વિઘ્ન સર્જાયું હતું. રાહદારીઓ અને લોકોએ પવનની ગતિ અને ઉડતા ધૂળના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.