વડોદરા: મકરપુરા જીઆઇડીસી રોડ પર જાહેરમાં કોઈને નડતરરૂપ ન હોય તેવા રિક્ષા સહિતના 14 થી 15 વાહનોની કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
મકરપુરા જીઆઇડીસી રોડ પર પવનનગર વિસ્તારમાં રહેતા ધંધાદારી લોકો રોજ પોતાની રીઢા તથા શાકભાજીનો ટેમ્પો ચલાવીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રીક્ષા ચાલકો રોજ વહેલી સવારે પોતાની રીક્ષા, ટેમ્પો લઇ ધંધાર્થે નીકળી જતા હોય છે અને રાત્રિના સમયે કોઈને નડતરરૂપ ન થાય તે રીતના રિક્ષા રોડથી અંદરની સાઈડમાં પાર્ક કરે છે. ઘણા લોકોની રિક્ષાના હપ્તા પણ ચાલુ છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો મોડી રાત્રિના સમય હથિયારો લઈને આવી આ ધંધાર્થી લોકોની રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પો સહિતના મળી 14 થી 15 વાહનોની તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા. સવારે માલિકો પોતાની રીક્ષા લઈને ધંધા માટે નીકળવા ઉઠયા હતા. તે દરમિયાન તેમની રિક્ષાના કાચ તોડી નાખેલા જોવા મળ્યા હતા. જેના કારણે આ લોકોએ ત્યા લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યારે કેટલાક તત્વો આવીને રિક્ષાઓની તોડફોડ કરતા કેદ થઈ ગયા હતા. જેથી આ રીક્ષા ચાલકોએ નુકશાન કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સાથે તેમના ખર્ચાની વસૂલાત કરાવવા માગ કરી રહ્યા છે.