ગેરકાયદે વાહનો, ખાનગી બસોના જમાવડો ના કારણે સરકારી બસે એક નો લીધો
અમિત નગર સર્કલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતને પગલે નાના બાળકનું ઘટના સ્થળ પર મોત
શહેરમાં રોજે રોજ અકસ્માતોની ઘટના બની રહી છે. આજે ત્રીજા દિવસે પણ એક અપ્રિય ઘટના બનવા પામી છે . શહેરના અમિત નગર સર્કલ પાસે ભિક્ષુક પરિવારના એક નાનો બાળક છોટાઉદેપુરથી અમદાવાદ જતી GSRTC ની બસની અડફેટે આવી જતાં બાળકનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે અને પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. આ ઘટના ના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. ઘટના સ્થળે ઉભેલા લોકોનું કહેવું છે કે ડ્રાઇવર નશા માં હોય એમ લાગી રહ્યું છે.
શહેરના અમિત નગર સર્કલ પાસે ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરીનો ધંધો તંત્રની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યો છે. સામાન્ય નાગરિક સામે દંડના ડંડા પછાડતું તંત્ર અહીં મુક્ પ્રેક્ષક બની તમાશો જુએ છે. મુખ્ય રસ્તા ઉપર ખાનગી વાહનોનો ખડકલો વર્ષોથી સ્થાનિકો અને વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. માથાભારે વ્યક્તિઓ આ પ્રવૃત્તિમાં સામેલ હોવાથી ફરિયાદ કરતા પણ લોકો ખચકાય છે. અગાઉ આ સ્થળોએ તલવારો પણ ઉડી છે. નાના મોટા અકસ્માતોની વણઝારો પણ છે. આ પ્રકારની ઘટનાઓ થાય ત્યારે તંત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે. આ પરિસ્થિતિથી હજુ લોકોને રાહત મળી નથી ત્યારે નવી સમસ્યા ઉદભવી છે. આ વિસ્તારમાં હવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની તથા ટ્રાન્સપોર્ટની ઓફિસો શરૂ થઈ જતા મુશ્કેલીમાં વધારો થયો છે. ખાનગી બસો રસ્તા ઉપર આડેધડ ઉભી રહેતા અકસ્માતો થઈ રહ્યા છે. પાર્સલ સહિત ચીજ વસ્તુઓનો પણ મુખ્ય માર્ગ ઉપર મૂકવામાં આવી રહ્યો છે. તંત્ર કોઈનો ભોગ લેવાય તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ સામાન્ય લોકોને કાયદાનો પાઠ ભણાવતું તંત્ર અહી નજર અંદાજ કરતાં બેધારી નીતિ સામે લોકોમાં આક્રોશ છે.
વડોદરા શહેરમાં અમિતનગર સર્કલ ગેરકાયદેસર મુસાફરી સાથે સરકારી અર્થતંત્રને નુકસાન પહોંચાડવા બદલ જાણીતું છે. તંત્રની છત્રછાયા અને હપ્તાબાજીના વહીવટ હેઠળ ધમધમતા આ ધંધાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન છે. ત્યારે હવે ખાનગી બસોનો મુખ્ય માર્ગ ઉપર જમાવડો ચિંતાનો વિષય બન્યો છે.