ઓવરબ્રિજ નીચેની જગ્યાનો વપરાશ સવાલોના ઘેરામાં
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો ઉપયોગ પે એન્ડ પાર્ક, રેન બસેરા અને અન્ય હેતુઓ માટે કરવાની યોજના અમલમાં મૂકી રહી છે. તાજેતરમાં, કારેલીબાગ, ફતેગંજ અને લાલબાગ ઓવરબ્રિજની નીચેની જગ્યાઓ અલગ અલગ હેતુઓ માટે આપવામાં આવી છે, જ્યાં કારેલીબાગ બ્રિજ નીચે પે એન્ડ પાર્કની વ્યવસ્થા, ફતેગંજ ઓવરબ્રિજ નીચે રેડીમેડ ગારમેન્ટ માટે હંગામી બાંધકામ અને લાલબાગ ઓવરબ્રિજ નીચે રેન બસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
હવે પશ્ચિમ વિસ્તારના સૌથી લાંબા અને મોટા અટલ બ્રિજની નીચેની જગ્યાઓ પણ ભાડે આપવાની યોજનાને લઇને વિવાદ ઊભો થયો છે. પાલિકા તંત્રએ જાહેર હરાજી દ્વારા પે એન્ડ પાર્ક માટે જુદા જુદા પિલરોની જગ્યા નક્કી કરી છે. પણ, સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ચુકાદા મુજબ ઓવરબ્રિજની નીચે કોઈપણ પ્રકારની હંગામી કે કાયમી માળખું ન હોવું જોઈએ.
અટલ બ્રિજની નીચે પે એન્ડ પાર્ક માટે મનીષા ચોકડી, હનુમાનજી મંદિર, ચકલી સર્કલ, આંબેડકર સર્કલ અને ગેંડા સર્કલના પિલરો નીચેની જગ્યાઓ ભાડે આપવાનું નક્કી કરાયું છે. દરેક પિલર વિસ્તારમાં પાર્કિંગની માંગ અને ધસારા મુજબ અલગ અલગ ડિપોઝિટ અને ભાડા નક્કી કરાયા છે. આ માટે જાહેર હરાજી 150ફેબ્રુઆરી સુધી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાશે, અને અરજીઓ રૂમ નં. 203 ખાતે સ્વીકારાશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઓવરબ્રિજની નીચે પાર્કિંગ કે અન્ય હેતુ માટે જગ્યા આપવામાં ન આવે, છતાં વડોદરા પાલિકા દ્વારા આ ચુકાદાની અવગણના થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લાલબાગ ઓવરબ્રિજ નીચે રેન બસેરા બનાવવામાં આવ્યું છે અને હવે અટલ બ્રિજની નીચે પે એન્ડ પાર્ક માટે જગ્યા હરાજી પર મૂકવામાં આવી છે.