પ્રતિનિધિ વડોદરા તા.7
બાજવા-કોયલી રોડ પર નવા બાંધકામ થઇ રહેલા બિલ્ડિંગ પાસેથી હેલોઝન લાઇટો તથા કોપર વાયરોના બંડલોની ચોરી કરનાર બે તસ્કરને કોયલી ગામના સ્મશાન પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. બંને ચોર પાસેથી ત્રણ હેલોઝન, કોપર વાયરના બંડલો અને બાઇક મળી રૂ. 50 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે બાઇક પર બે શખ્સો કોઈ જગ્યા પરથી ચોરી કરેલા હેલોઝન લાઇટો તથા વાયરો લાવી કોયલી ગામના સ્માશાન પાસે સળગાવી તેમાંથી કોપર અલગ કરી રહ્યા છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક બાતમી મુજબના સ્થળ કોયલી ગામ સ્મશાન પાસે તપાસ કરતાં સ્થળ પરથી બે શખ્સો અલ્પેશ શના ચૌહાણ તથા વિવેક લાલજી જાદવ (બન્ને રહે.કોયલી ગામ તા.જી.વડોદરા) વાયરો સળગાવતા મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી હેલોઝન લાઇટ નંગ-3 મળી આવ્યા હતા જેથી બન્ને શખ્સો પાસે મુદ્દામાલના બીલ માગતા ન હતા. જેથી બન્નેની વધુ પુછપરછ કરતાં તેઓએ 4 નવેમ્બરના રોજ રાત્રીના બાઇક પર બાજવા-કોયલી રોડ પર પેરેમાઉન્ટ લીમીટેડના નવા બાંધકામ થઇ રહેલા બિલ્ડીંગ પાસેના ઝુપડામાંથી 3 હોલેઝન લાઇટ અને કોપર વાયરના બંડલ નંગ-5ની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની પાસેથી ત્રણ હેલોઝોન, કોપર વાયર અને બાઇક મળી રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.