ફાયર વિભાગે 16 બોટની માંગણી કરી, સ્થાયી સમિતિએ 8 મંજૂર કરી; પૂર નિયંત્રણ માટે તંત્રએ મજબૂત સાધનો ખરીદ્યાં
વડોદરા શહેરે ગત વર્ષે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો. વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને નાગરિકોએ મોટું નુકસાન ભોગવ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે વડોદરામાં પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હાલમાં આ પ્રોજેક્ટના ભાગરૂપે નદીને ઊંડી અને પહોળી કરી વહન ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે. આ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પૂર સામેની તાત્કાલિક તૈયારી માટે પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં 200 જેટલા તરાપાની ખરીદી કરાઈ છે. તો બીજી તરફ ફાયર વિભાગે 16 બોટની માંગણી રાખી હતી, પરંતુ સ્થાયી સમિતિએ ફક્ત 8 બોટની જ મંજૂરી આપી છે. હાલ આ બોટોને પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, આગામી સમયમાં વધુ 8 બોટ ખરીદવા માટેની દરખાસ્ત સ્થાયી સમક્ષ ફરી રજૂ કરાશે. ફાયર વિભાગનું માનવું છે કે, દરેક ફાયર સ્ટેશનમાં બે બોટ હોવી જોઈએ જેથી ફ્લડની ગમે તેવી પરિસ્થિતિમાં પહોંચી વળાય.
જોકે માનવબળની બાબતમાં પાલિકા હજુ સુધી પૂરતી તૈયારી જોવા મળી નથી. 200 તરવૈયાઓને ત્રિમાસિક કરાર પર ભરતી કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે, પરંતુ અત્યાર સુધીમાં તેની અમલવારી કરવામાં આવી નથી. જેના કારણે જ્યાં પૂરનો ખતરો ઊભો થઈ શકે છે, એવા વિસ્તારોમાં તાત્કાલિક બચાવ માટે જરૂરી કર્મચારીયોની હાજરી હજુ સુધી સુનિશ્ચિત નથી થઈ. ઉલ્લેખનીય છે કે, ચોમાસાને હવે એક માસથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે આ ભરતી હવે જલ્દી થાય તે જરૂરી બન્યું છે.
પૂરની પરિસ્થિતિનો સામનો કરવા ફાયર વિભાગ સજ્જ
આગામી સમયમાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગ એકદમ સજ્જ છે. તાજેતરમાં ખરીદવામાં આવેલી 8 બોટ સહિત ફ્લડ લાઇટ તમામ ફાયર સ્ટેશનમાં આપવામાં આવશે. વધુમાં લાઇફ જેકેટ, ટોર્ચ સહિતની અન્ય નાના મોટા સાધનો પણ દરેક ફાયર સ્ટેશને પહોંચાડવામાં આવશે. આગામી ચોમાસામાં કોઈપણ પ્રકારની ફ્લડની પરિસ્થિતિનું નિર્માણ થાય તેને પહોંચી વળવા માટે ફાયર વિભાગ તમામ સાધનોથી હાલ સજ્જ છે. – મનોજ પાટીલ, ચીફ ફાયર ઓફિસર
મોન્સૂન પૂર્વ તૈયારી: પાલિકા દ્વારા રેસ્ક્યુ સાધનો ખરીદાયા
8 બોટ ઉપરાંત પાલિકાએ 8 જનરેટર વિથ ફ્લડ લાઇટ, 64 લાઇફ બોયા, 128 લાઇફ જેકેટ, 30 ટ્રી કટર, 50 હાઈ બીમ ટોર્ચ વિથ સોલર પેનલ, 40 સ્પોટ લાઇટ ટોર્ચ, 16 મોસ્ક્યુટો નેટ, 50 સેફ્ટી હેલ્મેટ, 20 સ્ટ્રેચર, 20 રેસ્ક્યુ થ્રો બેગ, અને 20 મલ્ટી પર્પઝ મેન્યુઅલ ટૂલ જેવી જરૂરિયાતવાળી વસ્તુઓની ખરીદી પણ કરી છે. આગામી જરૂર પડે વધુ સાધનો પણ ફાયર વિભાગ ખરીદશે.
4.5 મીટર ઈન્ફ્લેટેબલ રબર બોટની વિશેષતા
પાણીમાં બચાવ અને રાહત કામગીરી માટે 4.5 મીટરની નવી ઈન્ફ્લેટેબલ રબર બોટ પાલિક દ્વારા ખરીદાઈ છે. “યૂટી 25/બોટ/07” શ્રેણીની આ બોટ ન્યૂ લાઈટ સેફ્ટી સોલ્યુશન કંપનીએ સપ્લાય કરી છે અને તે યુનિરુબ ટેકનો ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે.
મોટર ક્ષમતા : 30 એચ.પી. 2-સ્ટ્રોક મોટર સાથે સપ્લાય થયેલી આ બોટમાં મહત્તમ 40 એચ.પી. 4-સ્ટ્રોક મોટર લગાડી શકાય છે.
લોડ ક્ષમતા: કુલ 825 કિલોગ્રામ લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે, જેને કારણે રાહત કાર્ય અથવા બચાવ કામગીરીમાં ખૂબ ઉપયોગી બની શકે છે.
મહત્તમ વ્યક્તિઓની સંખ્યા : આ બોટમાં મહત્તમ 10 વ્યક્તિઓ યાત્રા કરી શકે છે.
સુવમચાયેલું કાર્યક્ષમ દબાણ : 2 PSI (55 ઇંચ પાણી દબાણ) ના કાર્યક્ષમ દબાણ પર કામ કરે છે.