Vadodara

વડોદરા:પશ્ચિમ વિસ્તારમાં સુવેજ નેટવર્ક મજબૂત કરવા રૂ.29.32 કરોડનો પ્રોજેક્ટ માટેની દરખાસ્ત રજૂ

સેવાસી-ભાયલી માટે નવી પ્રેશર ડ્રેનેજ લાઇન અને ઓટોમેટેડ પંપ સ્ટેશન્સ બનાવાશે

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુવેજ નેટવર્કને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવાસી (કેનાલ) થી શેરખી એસટીપી સુધી નવી પ્રેશર ડ્રેનેજ લાઇન બનાવવા માટે રૂ.29.32 કરોડ (અલગથી GST) ના ખર્ચે ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આ કામ અમૃત 2.0 યોજના હેઠળ કરવામાં આવશે. વડોદરાના ભાયલી અને સેવાસી વિસ્તારોમાં હાલમાં સુવેજ નેટવર્ક અસ્તિત્વમાં નથી, જેના કારણે નાગરિકોને બેસીક ડ્રેનેજ સુવિધાઓનો અભાવ અનુભવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા નવા ઓટોમેટેડ પંપ સ્ટેશન્સ (APS) બનાવવાની સાથે પ્રેશર લાઇન અને ગ્રેવીટી લાઇન નેટવર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાઇન દ્વારા નીકળતી સુવેજને શેરખી એસટીપી ખાતે ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે, જેનાથી પર્યાવરણ અને જાહેર આરોગ્યમાં સુધારો થશે.

આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાર કોન્ટ્રાક્ટરો પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. તેમાંથી KSD Construction કંપનીએ 4.90% વધારાની દરખાસ્ત સાથે ન્યૂનતમ દર આપીને કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ કંપનીએ અગાઉ 5.94% વધારે દરે ટેન્ડર ભર્યું હતું, પરંતુ ચકાસણી અને ચર્ચા બાદ વધુ ઘટાડો કરીને આખરે 4.90% વધારાની સંમતિ આપવામાં આવી. હવે આ ટેન્ડર મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ માટેનો ખર્ચ વિવિધ સ્ત્રોતોથી પૂરો પાડવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 25% ફંડિંગ કરવામાં આવશે, જ્યારે વડોદરા મહાનગરપાલિકા 35% + ટેન્ડર પ્રીમિયમ અને કન્સલ્ટન્સી ફી ભરશે. કેન્દ્ર સરકારની યોજના CWAP-3 હેઠળ 40% ફંડિંગ આપવામાં આવશે.

ટેક્નિકલ દૃષ્ટિએ આ પ્રોજેક્ટમાં 1200 મીમી અને 800 મીમી વ્યાસની D.I K9 પાઇપો ઉપયોગમાં લેવામાં આવશે. કુલ 3950 મીટર અને 2900 મીટર લાંબી લાઇન નાખવામાં આવશે. આ સાથે રળીયાતબા નગર પાસે મુખ્ય પંપ સ્ટેશન ઉભું કરાશે, જ્યાંથી સુવેજને અટલાદરા એસટીપી તરફ ડાયવર્ટ કરીને બાકી નેટવર્ક પરનો ભાર ઓછો કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલથી ભાયલી-સેવાસી વિસ્તારની ડ્રેનેજ સમસ્યા દૂર થશે અને નાગરિકોને આધુનિક સુવેજ નેટવર્કનો લાભ મળશે. આ ઉપરાંત, વડોદરા શહેરના અન્ય એસટીપી ઉપરનો ભાર ઓછો થશે, જેનાથી સમગ્ર ડ્રેનેજ સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનશે.

Most Popular

To Top