:17 દરખાસ્ત મંજૂર, રૂ.70 કરોડના કામોને મંજૂરી
વડોદરાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં એકસાથે 17 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં રૂ.70 કરોડથી વધુના વિકાસકાર્યોને લીલીઝંડી આપવામાં આવતા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળવાની છે.
બેઠકમાં ખાસ કરીને ચોમાસા પૂર્વે જળબંબાકારની સમસ્યા અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉત્તર ઝોનમાં રૂ.5 કરોડની મર્યાદામાં આર.સી.સી. રોડના કામો અને પૂર્વ ઝોનમાં રૂ.7.50 કરોડના ખર્ચે રસ્તાઓના નવીનીકરણને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ચાલી રહેલા રસ્તાના કામોમાં રૂ.8 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરીને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે વોર્ડ નં. 16, 2 અને 3માં નવી વરસાદી ગટર લાઈનો અને ચેનલો બનાવવા માટે કરોડોની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. અમિતનગર સર્કલથી રાત્રી બજાર સુધીની જર્જરિત વરસાદી ચેનલને રૂ.7.50 કરોડના ખર્ચે નવી બનાવવાનો નિર્ણય લેવાતા હજારો રહીશોને ચોમાસામાં મોટી રાહત મળશે.
ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વોર્ડ નં. 9 અને 11માં રૂ.20 કરોડથી વધુના ખર્ચે નવી ગ્રેવિટી અને પ્રેશર ડ્રેનેજ લાઈનો નાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાયકા ફ્રેન્ચવેલ ખાતે જમીન સંપાદન માટે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવાનો નિર્ણય લઈને વર્ષોથી લટકેલા પ્રશ્નોના ઉકેલની દિશામાં પગલું ભરાયું છે.
જનહિત અને તહેવારોને પ્રાથમિકતા : ડો. શીતલ મિસ્ત્રી
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ બેઠક બાદ જણાવ્યું હતું કે, “આ બેઠકમાં શહેરના હિતમાં તમામ 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આગામી મહાશિવરાત્રી પર્વ દરમિયાન શિવજીની શોભાયાત્રાના રૂટ પર તથા શહેરમાં શિવરાત્રીની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ વિનામૂલ્યે લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે જ વડોદરાની ઓળખ બની ગયેલી ‘વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન’ માટે જરૂરી પ્રચાર-પ્રસારના ગેટ અને કમાનો પણ વિનામૂલ્યે લગાવવાની મંજૂરી આપી જનહિત અને ઉત્સવોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.”