Vadodara

વડોદરાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકાની નવી પહેલ

માત્ર ૫ રૂપિયામાં મળશે કાપડની થેલી, ખંડેરાવ માર્કેટથી પ્રયોગની શરૂઆત

વડોદરા શહેરને પ્લાસ્ટિક કચરામુક્ત અને પર્યાવરણપ્રેમી બનાવવા વડોદરા પાલિકાએ એક નવીન અને અનોખી પહેલ હાથ ધરી છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોર્પોરેશને શહેરમાં ‘ક્લોથ બેગ વેન્ડિંગ મશીન’ મૂકવાની યોજના શરૂ કરી છે.

પ્રાયોગિક ધોરણે આજથી ખંડેરાવ માર્કેટના મુખ્ય પ્રવેશદ્વારે પહેલું મશીન કાર્યરત બનાવાયું છે. આ મશીનમાંથી નાગરિકોને માત્ર 5 રૂપિયાના સિક્કા અથવા ઑનલાઇન પેમેન્ટ દ્વારા એક ટકાઉ, પુનઃ ઉપયોગી કરી શકે તેવી કાપડની થેલી મેળવી શકાશે. આ થેલીમાં એક કિલો જેટલો સામાન ભરી શકાય છે. આ મશીનની ક્ષમતા એક વખતમાં લગભગ 100 થેલીઓ રાખવાની છે, જેથી ખરીદી દરમિયાન થેલી લાવવામાં ભૂલ થનાર નાગરિકોને પણ સરળતાથી વિકલ્પ ઉપલબ્ધ થશે.
મહાનગરપાલિકાએ કુલ ૯ મશીનો રૂ. 4.41 લાખના ખર્ચે ખરીદ્યા છે, દરેકની કિંમત અંદાજે 49 હજાર રૂપિયા છે. મશીન સપ્લાય કરનાર એજન્સી આગામી ત્રણ વર્ષ સુધી મશીનોનું જાળવણી કામ કરશે તેમજ મશીનમાં થેલીઓનું ભરવાનું કામ પણ કરતી રહેશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ નો “આ પ્રયોગ શહેરને સાચા અર્થમાં પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ખંડેરાવ માર્કેટથી શરૂઆત કર્યા બાદ આવતા એક સપ્તાહમાં શહેરના દરેક વોર્ડમાં એક-એક મશીન મૂકવાની યોજના છે અને પછી સમગ્ર 19 વોર્ડમાં આ મશીનોના વિસ્તરણ કરવામાં આવશે.”
વિશેષતા એ છે કે આ પ્રોજેક્ટ સરકારી ‘પ્રતિક્ષા પોર્ટલ’ સાથે પણ જોડાયેલો રહેશે, જેથી મશીનમાંથી થયેલા વેચાણના આંકડાઓનું સંકલન સીધું જ ઉપલબ્ધ રહે. જો કે મશીનમાંથી મળેલી થેલીઓની વેચાણ રકમ એજન્સીને જ થશે.

આ પહેલ વડોદરાના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પર્યાવરણને બચાવવા નાના સ્તરે શરૂ કરાયેલ આ પ્રયાસ, નાગરિકોના સક્રિય સહકાર સાથે શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનું એક આદર્શ મોડેલ પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top