*શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને થયેલા નુકસાન તથા ભવિષ્યમાં શહેરમાં વરસાદી પાણી ન ભરાય માટે તમામ કાંસોમાંથી વિશ્વામિત્રી નદીમાં થયેલા ડ્રેનેજના જોડાણો બંધ કરવા વિપક્ષી નેતાની મ્યુનિ. કમિશનર ને રજૂઆત*
*શહેરમાં દર વર્ષે પ્રિમોન્સુનની કામગીરી પાછળ લાખોનો ખર્ચ છતાં કેમ નક્કર પરિણામ નહીં? : વિપક્ષી નેતા*
*શાસક પક્ષના લોકો પાલિકાના ખર્ચે અસરગ્રસ્ત લોકોને ફૂડ્સ વહેંચવામાં પણ પ્રસિદ્ધિ ઉઠાવતા હોવાના આક્ષેપો*
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
વડોદરા શહેરમાં બુધવારે વરસેલા 13 ઇંચ જેટલા વરસાદ, શુક્રવારે પડેલા સવા ઇંચ જેટલા વરસાદ તથા આજરોજ એટલે કે સોમવારે વહેલી સવારથી વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદમાં જે રીતે શહેરમાં દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને લાખોનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુનની કામગીરી માટે લાખોનો ખર્ચ કરે છે છતાં પણ નજીવા વરસાદમાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાય છે અને નુકશાન થાય છે. તો આ રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવામાં આવે છે? શું યોગ્ય આયોજનનો અભાવ છે ? જ્યારે પણ પાણી ભરાઇ જાય ત્યારબાદ પાલિકામાં મિટિંગો કરવામાં આવે છે આ મિટિંગો કરવાથી સમસ્યા નું નિરાકરણ આવે છે ખરું? સતાધીશો દ્વારા અસરગ્રસ્તોને પાલિકાના ખર્ચે વહેંચવામાં આવતા ફૂડ્સ માં પણ ફોટાઓ પડાવી પ્રસિદ્ધિ લૂંટવી છે જ્યારે કે આ જનપ્રતિનિધિઓ નો પોતાનો એક રૂપિયો પણ હોતો નથી તેવા આક્ષેપો વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ) એ કર્યા હતા અને મ્યુનિ. કમિશનર ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી. જેમાં તેમણે કોઇપણ રાજકારણી કે મોટા માથાઓની શેહશરમ વિના મત્સાકાંસ, ભૂખી કાંસ, રૂપારેલ કાંસ તથા વિશ્વામિત્રી નદીમાં જે ડ્રેનેજની લાઇનોના જોડાણો છે તે દૂર કરી અલગ કરવા તેમજ સુએઝ પ્લાન્ટ ની લાઇનો દૂર કરવા સાથે સાથે ડ્રેનેજની લાઇનો અને વરસાદી કાંસોને પહોળી કરી યોગ્ય રીતે સફાઇ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આજે કોંગ્રેસના વિપક્ષી નેતાની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાને પૂરથી બચાવવું હોય તો વિશ્વામિત્રીમાં ડ્રેનેજના જોડાણો બંધ કરો: કોંગ્રેસ
By
Posted on