11 એજન્સીઓ સ્વખર્ચે કરશે કામ, રોયલ્ટીમાં માફી આપશે
15 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે
વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ આજવા અને પ્રતાપપુરા સરોવરની સંગ્રહ શક્તિમાં વધારો કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં બંને સરોવરને ઊંડું કરવા માટે મંગળવારે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડી કરવાની કામગીરીનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં મેયર પિન્કી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ખાતમુહૂર્ત પુજામાં જોડાયાં હતાં. બંને સરોવરને ઊંડું કરવા માટે 11 એજન્સીઓએ તૈયારી બતાવી છે. 13 સેક્શનમાં ખોદકામ કરી 15 જૂન સુધી 50 લાખ ક્યુબીક ઘન મીટર માટે કાઢવામાં આવશે.

આજવા, પ્રતાપપુરા સરોવરની ઊંડું કરવા માટે જગદંબા એન્ટરપ્રાઇઝ ક્લિયર લાઈન એજન્સી આશાપુરા ટ્રેડર્સ શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ અને બી જી બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોકલેન, જેસીબી અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરાવવા માટે મંગળવારે કામે લાગી હતી. બંને સરોવરને ઊંડું કરવાનો પાલિકાના માટે એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે. કારણ કે આ તળાવને ઊંડું કર્યા બાદ તે માટીને એજન્સી પોતાના ખર્ચે લઈ જઈ, જેમાં રોયલ્ટી માફી આપવામાં આવી છે.
સરોવરને ઊંડા કરવાની કામગીરી પર સીસીટીવી અને ડ્રોનથી નજર રાખાશે

આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવાની કામગીરી પર સોલાર સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવશે. તદુપરાંત ત્યાં એક ટીમ હાજર રહેશે. જે ડે ટુ ડે મોનિટરિંગ કરી કામગીરીનું નિરીક્ષણ કરશે. ગેરીએ આપેલા સજેશન મુજબ પાળથી 200 મીટર દૂર ખોદકામ કરવાનું રહેશે. જોકે પાલિકા પાળથી 800 મીટર દૂર ખોદકામ કરશે.

