કારના કુર્ચેકુર્ચા ઉડી ગયા: ગંભીર રીતે ઘાયલ ચાલક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી
વડોદરા : શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 દિવસેને દિવસે વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યો છે. આજે છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા GSFC બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ફોર વ્હીલર કાર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ, છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાટા મોટર્સની સામે આવેલા GSFC બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલર કાર અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગના કુર્ચેકુર્ચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં કારચાલક રાજનાથ શિવપ્રસાદ પાલ (ઉં.વ. 42, રહે. કૃષ્ણાપાર્ક, નવાયાર્ડ, વડોદરા) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ તેમને કારમાંથી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માત સર્જનાર ટેમ્પોચાલકનો આબાદ બચાવ થયો છે અને તેને કોઈ ઈજા પહોંચી નથી.

ઘટનાની જાણ થતા જ છાણી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય તે પહેલા પોલીસે ક્રેઈનની મદદથી બંને વાહનોને રસ્તાની સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોચાલકની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
– મોતનો હાઈવે બનતો NH-48…
વડોદરાના હાઈવે પર સતત વધી રહેલી અકસ્માતોની સંખ્યા ચિંતાનો વિષય બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્પીડ લિમિટનો અભાવ અને જોખમી ડ્રાઈવિંગને કારણે આ માર્ગ હવે ‘મોતનો હાઈવે’ બની રહ્યો હોય તેવું પ્રતીત થાય છે.