નેતાઓ મતો લઈ ગયા પણ ઘરના દસ્તાવેજ ન આપ્યા; જો આકારણી નહીં થાય તો પંચાયત કચેરી સામે રહીશો કરશે ભૂખ હડતાલ


એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘દરેક નાગરિકને પોતાનું ઘર’ આપવાનું સ્વપ્ન સાકાર કરવા મથામણ કરી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના પોર ગામમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં વર્ષોથી વસવાટ કરતા સેંકડો રહીશો આજે પણ પોતાના જ ઘરના માલિકી હક્ક માટે તંત્ર સામે સંઘર્ષ કરી રહ્યા છે. ચૂંટણી ટાણે વચનોની લ્હાણી કરતા નેતાઓ જીત્યા બાદ આ વિસ્તારના લોકોની પીડા ભૂલી જતા હોવાનો આક્રોશ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, તેમની પાસે મકાનનો માલિકી હક્ક ન હોવાને કારણે તેઓ અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. સૌથી મોટી મુશ્કેલી બેંક લોન મેળવવામાં પડી રહી છે. મકાનના પાકા દસ્તાવેજ કે આકારણી ન હોવાથી બેંકો ધિરાણ આપતી નથી, જેના કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો પોતાનું ઘર રિપેર કરવામાં કે અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ બન્યા છે.
પોર ગામના આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી ઉપેક્ષાને કારણે દર ચોમાસામાં રહીશોની હાલત કફોડી બને છે. પૂરની સ્થિતિ સર્જાતા જ લોકોએ પોતાની ઘરવખરી બચાવવા માટે દોડધામ કરવી પડે છે અને આખરે ધર્મશાળામાં આશરો લેવો પડે છે. તંત્ર દ્વારા નુકસાનીના નામે મામૂલી રકમ ચૂકવીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

આંદોલનનું રણશિંગું: ભૂખ હડતાલની તૈયારી…
તંત્રની લાંબી ઉદાસીનતા બાદ હવે રહીશોનો સંયમ ખૂટ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમને ઘરની વેરાપાવતી કે આકારણી કરી આપવામાં નહીં આવે, તો તેઓ ગ્રામ પંચાયતની કચેરી બહાર ભૂખ હડતાલ પર ઉતરશે.
”અમે વર્ષોથી અહીં રહીએ છીએ, છતાં અમારા જ ઘરમાં અમે પરાયા છીએ. નેતાઓ ફક્ત મતોની રાજનીતિ કરે છે, અમારી પાયાની જરૂરિયાત કોઈને દેખાતી નથી.”