વિકાસ સાથે ટ્રાફિક સંચાલનનું સમતોલન જરૂરી
દિવસેને દિવસે વધી રહેલા વાહનોની સંખ્યા અને અસુવિધાજનક ટ્રાફિક સિસ્ટમ વચ્ચે નાગરિકોને સહન કરવી પડે છે લાંબી લાઇનો અને અકસ્માતોની ભીતિ
વડોદરા શહેર, જેમાં રોજબરોજ વિકાસ થઈ રહ્યો છે, ત્યાં સાથેસાથે વાહનોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પિક અવર્સ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા નાસોર બની ગઈ છે. એમાં પણ એરપોર્ટ સર્કલ એવું સ્થળ છે જ્યાં વહેલી સવારથી લઈને સાંજના કલાકોમાં ખાસ કરીને ઓફિસ અને સ્કૂલના સમયમાં ભારે ટ્રાફિક જોવા મળે છે. અહીં મોટો પ્રશ્ન ટ્રાફિક સિગ્નલના સમયનો છે. રિપોર્ટ્સ મુજબ, એરપોર્ટ સર્કલ પર સિગ્નલનો સમય ખૂબ લાંબો હોય છે, જેના કારણે વાહન ચાલકોને લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. પરિણામે, જેમજ ટ્રાફિક સિગ્નલ ચાલુ થાય, તેમ વાહનચાલકો ઝડપથી આગળ વધવા પ્રયાસ કરતા હોય છે. આવા સમયમાં દોડધામ અને આગળ નીકળી જવાની હોડના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે શહેરની ટ્રાફિક વ્યવસ્થા માટે એક વ્યૂહાત્મક અભિગમ અપનાવાની જરૂર છે. આજે જ્યાં પણ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યાંના ટ્રાફિક સિગ્નલોનો સમય વિસ્તારના ટ્રાફિકના પ્રમાણ મુજબ નક્કી થવો જોઈએ. અનેક વાર એવું પણ જોવા મળ્યું છે કે ટ્રાફિક વાળા માર્ગો માટે સિગ્નલના જે સમય નક્કી કરવામાં આવ્યો હોય છે તે યોગ્ય કરવામાં આવે તો પિક અવર્સમાં અવ્યવસ્થા ન સર્જાય. ટ્રાફિકજામને લીધે સમય પર પહોંચવા જેવી અસુવિધા સહિત અકસ્માતોની શક્યતા, ઇંધણનો બિનજરૂરી વપરાશ અને વાહનોથી થતા પ્રદૂષણ જેવી સમસ્યાઓ પણ જોડાયેલી છે. પરિણામે, આ સમસ્યા માત્ર ટ્રાફિક નિયંત્રણની નહીં, પણ પર્યાવરણ અને નાગરિક આરોગ્યની પણ છે. વાહનચાલકો પણ માને છે કે જો ટ્રાફિક સિગ્નલ્સનો સમય યોગ્ય રીતે નક્કી થાય અને દરેક વિસ્તારમાં ટ્રાફિકના ડેટા અનુસાર વ્યવસ્થિત આયોજન કરવામાં આવે, તો ટ્રાફિકજામની સમસ્યા ઘણી અંશે હળવી થઈ શકે.
શહેરી વિકાસ સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ આધુનિકિકરણ જરૂરી છે. તદુપરાંત, કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વચ્ચે સમન્વયના અભાવને દૂર કરીને એક સંયુક્ત કાર્યક્રમ તરીકે ટ્રાફિક મેનેજમેન્ટ પર કામ કરવું જોઈએ. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રાફિકને ઓટોમેટિક રીતે નિયંત્રિત કરનારી સિસ્ટમ લાગુ કરવામાં આવવી જોઈએ. શહેરના નાગરિકો માટે ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત અને સુરક્ષિત બને એ માટે કોર્પોરેશન, ટ્રાફિક વિભાગ અને નાગરિકો વચ્ચે સહકાર અને જવાબદારીની ભાવનાનું નિર્માણ થવું ખૂબ જરૂરી છે. જો તંત્ર અને નાગરિકો એક સાથે આવી સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કરે તો ટ્રાફિકજામની સમસ્યાને ઓછા સમયમાં કાબૂમાં લઇ શકાય છે.