વડોદરા શહેરની ઓળખ સમાન હેરિટેજ ઇમારતોના સંરક્ષણ અને પુનર્જીવન માટે હવે કોર્પોરેશન ગંભીર થઈ છે. ખાસ કરીને શહેરના મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને હાલ હાલત ખરાબ થઈ ચૂકેલી માંડવી બિલ્ડિંગનું રીપેરીંગ કામ આરંભાઈ ચૂક્યું છે. માંડવી દરવાજાની દીવાલો અને પીલરનું પ્લાસ્ટર ઉખડી પડતાં હવે શહેરીજનોની સાથે પાલિકા અને બુદ્ધિજીવી વર્ગમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ જ સંદર્ભમાં આજે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ સ્થિત વળી કચેરીના કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં પાલિકાની મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર તોમર, રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી તેમજ રાજવી પરિવારના હેરિટેજ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં માંડવી બિલ્ડિંગની હાલત અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં જરૂરી મરામત અને રીસ્ટોરેશન કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક કરવા અંગે ભાર મૂકાયો હતો. ઉપરાંત, શહેરની અન્ય હેરિટેજ બિલ્ડીંગોની હાલત અંગે પણ ચર્ચા થવા પામી હતી, જેમાં આવા ઐતિહાસિક સ્મારકોને સમર્થ રીતે જાળવી રાખવા માટે રીપેરીંગ પ્લાન અને ભંડોળ વ્યવસ્થા અંગે વિચારો મુકવામાં આવ્યા.
હેરિટેજ જાળવણી બેઠકમાં વિવાદ : DJ મુદ્દે સમાન નિયમોની માંગ ઊઠી
હેરિટેજ જાળવણી અંગેની યોજાયેલી ગતરોજની બેઠકમાં ચાર દરવાજા વિસ્તારમાં DJ અને ભારે વાહનો બંધ કરવા મામલે શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું ત્યારે ત્યાં હાજર ચૂંટાયેલા એક પ્રતિનિધિએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એનુ યોગ્ય પાલન થાય અને તમામ સમુદાય માટે નિયમ સમાન રાખવા કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પછી એવી ન થવું જોઈએ કે કોઈના માટે અલગ નિયમ અને કોઈના માટે અલગ. અત્રે નોંધનીય છે કે, અગાઉ એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક મહિલા ધારાસભ્ય અને વરિષ્ટ ધારાસભ્યએ DJ વગાડવા માટે ઉગ્ર જીદ કરી હતી. ત્યારે આગામી સમયમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે જોવું રસપ્રદ રહેશે.
કોર્પોરેશન સામે હેરિટેજ સેલની જૂની માંગ ફરીથી તાજી થઈ
હેમાંગ જોશીએ પણ બેઠકમાં હેરિટેજ સેલ બનાવવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશને ભૂતકાળમાં નવો જીડીસીઆરનો નિયમ આવ્યો ત્યારે હેરિટેજ સેલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે જે તે સમયે ભાજપના જ નેતાઓએ હેરિટેજ સેલ બનાવવાની દરખાસ્ત ઉડાડી દીધી હતી. ત્યારે હવે નવા સાંસદને હજુ ખબર જ નથી કે અગાઉ આ દરખાસ્ત ઉડાડી દેવાઈ હતી. જો કે, જીડીસીઆરના નિયમ મુજબ હેરિટેજ સેલ હોવું જરૂરી છે.
ત્રણ પદાધિકારીઓની અવગણના પાછળનું કારનામું કોણે કર્યું?
પાંચ પદાધિકારીઓ પૈકી ત્રણ પદાધિકારીઓની હેરિટેજ જાળવણી માટેની બેઠકમાંથી બાદબાકી કરવા મામલે મેયર પિંકી સોનીએ કહ્યું કે, મને કમિશનરનના પીએનો મારી ઓફિસમાં ફોન આવ્યો હતો અને બેઠક મામલે જાણ કરાઈ હતી. આ બેઠકમાં ત્રણ પદાધિકારીઓને કેમ ન બોલાવાયા એ બાબતથી હું અજાણ છું. ઉલ્લેખનીય છે કે, તમામ બેઠકમાં મુખ્યત્વે હંમેશા સાથે રહેતા પાંચ પદાધિકારીઓ પૈકી ત્રણ પદાધિકારીઓની બાદબાકી કોને કરાવી તેને લઈને કોર્પોરેશનમાં ગણગણાટ શરૂ થયો છે.